Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગર જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ - 'CAREER નામા'

જિલ્લાની ૧૦ ઉચ્ચતર માધ્યમિક શાળાના એક હજાર વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટની વિશેષ તાલીમ અપાશે : આ પ્રોજેકટ યુવાઓને પોતાનું કૌશલ્ય પુરવાર કરવા યોગ્ય માધ્યમ પુરૂ પાડશે - જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી : કોરોના મહામારીના કારણે બે વર્ષથી સ્કુલે ન જઇ શકનાર વિદ્યાર્થીઓ માટે 'CAREERનામા' પ્રોજેકટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪ ડિસેમ્બર, ડિસ્ટ્રિકટ સ્કિલ કમિટી-જામનગર અને કવેસ્ટ એલાયન્સના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓને કરીયર પસંદ કરવા માટે 'CAREER નામા' પ્રોજેકટનો શુંભારંભ કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, એમ.એમ.બોચીયા આચાર્ય શ્રી આઈ.ટી.આઈ. જામનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ તકે કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, 'CAREER નામા' વિદ્યાર્થીઓને તેમના પસંદગી મુજબનો રોજગાર અપાવવામાં મદદરૂપ બનશે. પ્રોજેકટ અંતર્ગત વિશેષ પરિક્ષા દ્વારા વિદ્યાર્થીની ઓળખ કરી તેના કૌશલ્ય મુજબ ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો વિશે વધુ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ જે-તે ક્ષેત્રમાં રોજગાર માટેની કેટલી તકો ઉપલબ્ધ છે તે વિશે વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવશે. આ માટે માસ્ટર ટ્રેનર તેમજ કરીયર કાઉન્સેલર તરીકે જિલ્લાના પસંદગી પામેલા શિક્ષકો ફરજ બજાવશે જે માટે ૧૦ શિક્ષકોની તાલીમ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઈચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે.

આત્મવિશ્વાસ દ્વારા અભિવ્યકિત, ભાષાકિય ઉચ્ચારણ સુધારવાની તાલીમ, વિદ્યાર્થીઓનો કારકિર્દી પ્રત્યેનો રસ, તેની ક્ષમતા અને આકાંક્ષા પારખીને લક્ષ્ય સાધવા અંગેની તાલીમ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતા કેળવવા માટે શિક્ષકોને પણ તાલીમબધ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિવિધ ઈન્ડસ્ટ્રિઝની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. જેનો મહત્ત્।મ લાભ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ મળશે.

આ તકે એમ.એમ.બોચીયા આચાર્ય શ્રી આઈ.ટી.આઈ. જામનગરે જણાવ્યું હતું કે, 'CAREER નામા' દ્વારા વિદ્યાર્થીએ પસંદ કરેલી કારકિર્દી થકી સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઈન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મુજબ તેનામાં સ્કિલ ડેવલપ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. વ્યકતિગત રીતે તથા ગ્રુપમાં વિદ્યાર્થીઓને તેમના કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર દ્વારા સંચાલીત મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ યોજનાના ફેલો શ્રી જહાનવીબેન રાજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

એમઓયુ થયેલ કવેસ્ટ એલાયન્સ ડિજીટલ પ્લેટફોર્મ આધારીત છે. આ કોર્ષ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામ આધારીત તથા મોબાઈલ એપ્લીકેશન આધારીત એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે. આ પ્રોજેકટમાં ઓડિયો-વિઝયુલ માધ્યમ દ્વારા તાલીમ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી સ્કુલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓ માટે CAREER નામા પ્રોજેકટ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

આ પ્રોજેકટ હેઠળ ઉચ્ચ માધ્યમિક શાળાના ૧,૦૦૦ વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટની વિશેષ તાલીમ આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે પાયલોટ પ્રોજેકટ તરીકે જામનગર જિલ્લાની ૧૦ શાળાઓમાં આ પ્રોજેકટ અમલીકૃત કરવામાં આવશે. જેમાં દયાનંદ કન્યા વિદ્યાલય, ડી.સી.સી.વી. હાઈસ્કુલ, જી.એમ.પટેલ સ્કુલ, એલ.જી.હરીયા હાઈસ્કુલ, મ્યુનિસિપલ હાઈસ્કુલ, નેશનલ હાઈસ્કુલ, શ્રી સજુબા કન્યા હાઈસ્કુલ, સત્યસાંઈ હાઈસ્કુલ, સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કુલ, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ૫ ગર્લ્સ હાઇસ્કુલનો પણ સમાવેશ કરાયો છે જયાં વોકેશનલ ટ્રેઈનિંગ આપવામાં આવશે.

આ પ્રોજેકટ માટે દરેક માધ્યમિક શાળામાં તાલીમબધ્ધ શિક્ષકો હશે. જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માસિક પ્રવૃતિઓ, યોગ્યતા પરીક્ષા અને કારકિર્દી સંબંધિત સેમિનાર તથા વર્કશોપ દ્વારા વિદ્યાર્થીમાં સ્વ-સમજણ કેળવીને કરિયર રીસર્ચ અને કરિયર પ્લાનિંગમાં મદદ કરશે.

આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદા, ડે.જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, ડી.આઈ.સી. અધિકારી વૈશાલી ખીમશુરીયા, લેબર અધિકારી ધ્વનીબેન રામી, હેલ્થ અને સેફટી અધિકારી શ્રી પ્રજાપતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)