Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સૌરાષ્‍ટ્રમાં ૧૭૪૦ હેકટરમાં રવિ પાકનું વાવેતર : ચણા, ઘઉં, જીરૂ મુખ્‍ય

શિયાળાના પ્રારંભ સાથે ખેડૂતો ખેતરોમાં વ્‍યસ્‍ત : આખા રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૭૦૬૬ હેકટરમાં વાવેતર

રાજકોટ તા. ૧૬ : રાજ્‍યમાં શિયાળુ (રવિ) પાકના વાવેતરની મોસમ ચાલી રહી છે. દિવાળી પછી શિયાળુ પાક વાવવાની કામગીરીમાં વેગ આવ્‍યો છે. અત્‍યારે વાવવામાં આવતા લગભગ તમામ શિયાળુ પાક ઉનાળામાં તૈયાર થઇને બજારમાં આવશે. રાજ્‍યમાં ગઇકાલે તા. ૧૫ નવેમ્‍બર સુધીમાં ૭૦૬૬ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌરાષ્‍ટ્રના ૧૭૪૦ હેકટર વાવેતરનો સમાવેશ થાય છે. સૌરાષ્‍ટ્રના મુખ્‍ય શિયાળુ પાકમાં ઘઉં, ચણા, જીરૂ ઉપરાંત ધાણા, ડુંગળી, શાકભાજી, ઘાસચારો વગેરેનો સમાવેશ થાય છે. શિયાળાની શરૂઆત સાથે જ ધરતીપુત્રો ખેતરોમાં વ્‍યસ્‍ત બન્‍યા છે. આ વખતે પાછોતરો વરસાદ સારો થતા સૌરાષ્‍ટ્રના મોટાભાગના ખેડૂતોને પાણીની બાબતમાં અનુラકૂળતા છે.
સૌરાષ્‍ટ્રમાં પિયત ઘઉં ૨૧૯ હેકટરમાં, બિનપિયત ૩૭ હેકટરમાં, ચણા ૯૮૯ હેકટરમાં, જીરૂ ૫૯ હેકટરમાં, ધાણા ૫૦ હેકટરમાં, ડુંગળી ૮૯ હેકટરમાં વાવવામાં આવી છે. હજુ રવિ પાકની વાવણી ચાલુ છે. ગઇકાલ સાંજ સુધીમાં સૌરાષ્‍ટ્રમાં બધા મળીને ૧૭૪૦ હેકટરમાં વાવણી થઇ ગઇ છે. એક તરફ ખરીફ મોસમની મગફળીથી બજારો ઉભરાઇ રહી છે. બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે.
સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજ્‍યમાં છેલ્લા ૩ વર્ષના સરેરાશ શિયાળુ વાવેતરની સખરખામણીએ અત્‍યાર સુધીમાં ૧૮.૨૬ ટકા વાવેતર થયું છે. રાજ્‍યમાં સૌથી વધુ ૩૮.૬૪ ટકા વાવેતર ઘઉંનું થયું છે. કઠોળનું વાવેતર ૩૨.૪૬ ટકા થયું છે. શેરડીનું વાવેતર ૩૮.૮૩ ટકા થયું છે તે હેકટરની દ્રષ્‍ટિએ ૭૯૮૯૮ થાય છે. કચ્‍છમાં ૨૫૧, ઉત્તર ગુજરાતમાં ૧૮૭૬, મધ્‍યમાં ૧૧૦૭, સૌરાષ્‍ટ્રમાં ૧૭૪૦, દક્ષિણમાં ૧૧૫૬ સહિત રાજ્‍યમાં કુલ ૭૦૬૬ હેકટરમાં શિયાળુ વાવેતર થઇ ગયું છે. હજુ આ આંકડો વધશે.

 

(11:27 am IST)