Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દ્વારકાધીશ જગતમંદિરમાં તુલસી વિવાહની ઉજવણી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧પ : દેવઉઠી એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં તુલસી વિવાહ મહોત્સવની ધાર્મિક વિધિ-વિધાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સાંજના સમયે ભગવાનના બાળસ્વરૂપની શોભાયાત્રા બેન્ડવાઝા સાથે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. રાત્રીના સમયે ભગવાનના તુલસીજી સાથે વિવાહનો પ્રસંગ ખુબ જ ધામધુમપુર્વક ઉજવવામાં આવ્યો હતો.

જેમાં શારદાપીઠના સંતો મહંતો અને શહેરના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભકતો ઉમટી પડયા હતા. પૌરાણીક દ્રષ્ટીએ તુલસીપત્રએ હેમ એટલે સુવર્ણ એવમ રત્નથી પણ ચડીયાતુ છે. એટલે જ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે. કર્મના ભવબંધનમાંથી મોક્ષ મેળવવા ભગવાન શ્રી હરિ દ્વારકાધીશના શ્રીચરણોમાં દરરોજ રાત્રે વિષ્ણુસહસ્ત્રના પાઠ સાથે તુલસીપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા છે. દ્વારકાધીશ મંદિરમાં તુલસી  વિવાહનું મહત્વ સમજાવતા પ્રણવભાઇ પુજારીએ જણાવ્યું કે દેવતાઓની દિવાળી દેવદિવાળી તરીકે ઓળખાય  છે. અષાઢ-સુદ-૧૧ થી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઇ વિશ્રામ કરે છે. બાદ કારતક સુદ -૧૧ના વિશ્રામમાંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. (તસ્વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(11:13 am IST)