Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પીપળીયા : યુવાનનો જીવતા જ સમાધિ લેવા માટેનો દાવો

બે દિવસમાં સત્ય ઉજાગર થશે : વિજ્ઞાન જાથા : નવઘણ દાદાની પ્રેરણાથી જીવતા સમાધિ લેવાનો યુવાનનો દાવો : લોકોને પાખંડથી દૂર રહેવા વિજ્ઞાન જાથાની અપીલ

અમદાવાદ, તા.૧૬ : મોરબી જિલ્લાના પીપળીયા ગામના યુવાન કાંતિલાલ અરજણભાઇ મુછડીયાનો આગામી તા.૨૮ નવેમ્બરના રોજ જીવતા સમાધિ લેશે તેવો દાવો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને કાંતિલાલ મુછડિયાનો જીવતી સમાધિ લેવા અંગેનો વીડિયો પણ વાઇરલ થતાં સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. કાંતિલાલના વાયરલ વીડિયોમાં આજથી ૪૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા નવઘણ દાદાના કહેવાથી તે જીવતા સમાધિ લેશે તેવુ જણાવી રહ્યો છે. નવઘણ દાદા આજે પણ હડકવા, કેન્સર, ટીબી સહિતની બિમારીઓ મટાડતા હોવાની પણ માન્યતા હોવાની વાત કાંતિલાલ મુછડીયા વીડિયોમાં કરે છે. કાંતિલાલને વર્ષો પહેલા એક શ્વાન કરડયુ હતુ અને એ વખતે તેને નવઘણદાદાએ સાજો કર્યો હોવાનું તે જણાવી રહ્યો છે. જો કે, એ વખતે નવઘણ દાદાએ તેને જણાવ્યું હતું કે, તે કહેશે ત્યારે તેણે સમાધિ લેવી પડશે,

                      એમ કહી તે વચન પાળવા પોતે જીવતા સમાધિ લઇ રહ્યો હોવાનો દાવો કાંતિલાલ કરી રહ્યા છે. દરમ્યાન કાંતિલાલની સમાધિ લેવાના મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો. કાંતિલાલ માનસિક બિમાર છે. મને ગ્રામજનોની કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે અને વિજ્ઞાન જાથા મોરબી પોલીસને સાથે રાખીને આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરશે. લોકો આ પ્રકારના પાખંડથી દૂર રહે તેવી અમારી અપીલ છે. ઉલ્લેખનીય છે કે, સમાજમાં આ પ્રકારે અગાઉ પણ કેટલાય લોકો જીવતા સમાધિ લેવાની વાત અને દાવા કરી ચૂકયા છે અને છેવટે તે તમામ અત્યારસુધી તો ખોટા જ સાબિત થયા છે ત્યારે હવે કાંતિલાલનો દાવો કેટલો ટકે છે તે તા.૨૮મીએ ખબર પડી જશે. દરમ્યાન મોરબી એસપીએ જણાવ્યું હતું કે, પોલીસ મુછડિયાને સમાધિ નહી લેવા માટે સમજાવી રહી છે.

(8:32 pm IST)