Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ધોરાજીમાં ખેડૂતો સાથે ભાજપના જ હોદ્દેદારોએ ૧૦૦ ટકા વિમા માટે કપાસ મગફળીની નનામી કાઢી

ધોરાજી,તા.૧૬: કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ, મગફળી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું હોવાથી રાજય સરકાર સત્વરે વળતર આપે તે માટે ધોરાજી તાલુકાના પીપળીયા, જમનાવડ, મોટી મારડ, કલાણા, છત્રાસા, ભાડેર, હડમતીયા, મોટી પરબડી, ચિચોડ, પાટણવાવ છાડવાવદરના ગ્રામ્ય સરપંચો, આગેવાનો અને ખેડૂતો સહિત ધોરાજી શહેરમાંથી ખુબજ મોટી સંખ્યામાં ખેડૂતો ધોરાજી ના ગેલેકસી ચોક ખાતે ઉમટી પડ્યા હતા. અને આશ્યર્ય જનક કાર્યક્રમ આપ્યો હતો.

ધોરાજી ગેલેકસી ચોક ખાતે થી ખેડૂતો એ નનામી પર કપાસ અને મગફળી પાથરી પાક નું મરણ થયું હોય તે રીતે નનામી લઈ પ્રાંત અધિકારી ની કચેરી ખાતે પહોંચ્યા હતા. જયાં કચેરીના પટાંગણમાં નનામી રાખી ખેડૂતોએ મરણ પોક મૂકી વિરોધનો નવતર પ્રયોગ કર્યો હતો.

ઉપસ્થિત અગ્રણીઓમાં પીપળીયાના સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ મકાતી, ભાજપ મહામંત્રી રાજુભાઇ ડાંગર, જમનાવડ સરપંચ હિતેશભાઈ વાદ્યમશી,ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રતીલાલ શેરઠીયા,પરેશભાઈ વાછાણી, ભાડેર સરપંચ કૃષ્ણસિંહ વાદ્યેલા,ધીરાજી હીત રક્ષક સમિતિના વિઠ્ઠલભાઈ હિરપરા, તાલુકા સંદ્યના ડિરેકટર રવજીભાઈ પરડવા સહિત આગેવાનો એ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાની નો ચિતાર આપી રાજય સરકાર દ્વારા ખેડૂતોનેઙ્ગ પાકની નુકશાનીનું ૧૦૦ % વળતર આપવામાં આવે તેવી મૌખિક અને લેખિત આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી હતી.

પ્રાંત અધિકારી એ ખેડૂતો અને સરપંચોનું આવેદન સ્વીકારી સરકાર સુધી પોહચાડવા ખાત્રી આપી હતી. વિશાલ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ન જોખમાઈ તે માટે પોલીસ ઇન્સપેકટર વિજય જોષી અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ મકાતી ભાજપ મહામંત્રી રાજુભાઇ ડાંગર સહિતનાએ ૧૦૦ ટકા પાક વિમાની માંગણી કરતા ભારે ચર્ચા જાગી છે.

(1:06 pm IST)