Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બળવાખોરોની બીકે ભાજપના ભુજ મંડલની જાહેરાત મોકૂફ - અબડાસામાં ડખ્ખો

વરણી માટે બે વખત બેઠક મળી પણ નામની જાહેરાત ન થઈ, અબડાસામાં પક્ષની સામે ઉમેદવારી કરનારને હોદ્દો અપાતાં કાર્યકરોએ ખેસ ઉતારી નાખ્યા

ભુજ,તા.૧૬: કચ્છ ભાજપના ૧૬ મંડલની રચના માટે નિયત તારીખો જાહેર થયા બાદ વરણી પ્રક્રિયા હાથ તો ધરાઈ છે, પણ તેમાં જૂથવાદનો હિસાબ કિતાબ સરભર કરાઈ રહ્યો છે. જોકે, કયાંક કાર્યકરો સમસમીને બેસી ગયા છે, કયાંક ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, તો અબડાસા અને ભુજ મંડલ માટે ભાજપનો આંતરિક જૂથવાદ ખુલ્લીને બહાર આવી ગયો છે.

ગુરુવારના અબડાસામાં છત્રસિંહ જાડેજાનું નામ તાલુકા પ્રમુખ તરીકે જાહેર કરાયું હતું. જોકે, આ જાહેરાત સમયે જ નલિયા ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ ખેસ ઉતારીને હોબાળો મચાવ્યો હતો. ભાજપની સામે જ ઉમેદવારી કરનાર છત્રસિંહ જાડેજાને પ્રમુખ પદ આપવા માટે જિલ્લા સંગઠન સામે આંગળી ચીંધાઈ રહી છે. કચ્છ ભાજપ ત્રણ જૂથમાં વહેંચાઈ ગયો છે. તેમાં જયાં લાગ આવે ત્યાં એક જૂથ બીજા જૂથને કાપવાનો પ્રયત્ન કરે છે.

જોકે, પક્ષને ભલે નુકસાન થાય પણ હિસાબ સરભર કરવાની રાજનીતિથી ભાજપના સાચા કાર્યકરો ત્રાહિમામ થઈને નિષ્ક્રિય થઈ ચૂકયા છે. તકવાદીઓ માટે અત્યારે કચ્છ ભાજપમાં દ્યી કેળા છે. ગઈકાલે ૧૫ તારીખે ભુજ શહેર અને તાલુકા મંડલના પ્રમુખ, મહામંત્રીઓની નિયત જાહેરાત મુજબ વરણી હતી. પરંતુ બબ્બે વખત જિલ્લા કાર્યાલયમાં બેઠક મળી પણ અંતે વરણી મુલતવી રાખવી પડી.

બળવાખોરોની બીકે ભુજની વરણી પ્રક્રિયા મુલતવી રહી તેની પાછળ ચર્ચાતું એક કારણ એવું પણ છે કે, પ્રદેશમાંથી રૂક જાવનો આદેશ મળ્યો હતો. હવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી પછી ભુજ શહેર, તાલુકા ભાજપની વરણી કરાશે એવું જાણવા મળી રહ્યું છે. જોકે, સત્ત્।ામાં આવ્યા બાદ કચ્છ ભાજપમાં આંતરિક હુંસાતુસી વધી છે. ત્રણ બળુંકા જૂથો એકબીજાને પછાડવામાં એવા વ્યસ્ત છે કે, વિરોધ પક્ષ કોંગ્રેસની પણ જરૂર નથી. કચ્છમાં કોંગ્રેસ મોટેભાગે નિષ્ક્રિય છે, પણ ભાજપ જ ભાજપ માટે વિરોધપક્ષની ગરજ સારે છે. આ કડવું સત્ય છે.

(11:50 am IST)