Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામનગરમાં ભાનુશાળી યુવાનને મારકુટ કરી લુંટ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી નામંજુર

જામનગર તા ૧૬  : ઇજા પામનાર હોસ્પીટલમાં હોય તેવા સંજોગોમાં આરોપીઓને જામીન મુકત કરી ન શકાય. જામનગરના ચર્ચાસ્પદ ભાનુશાળી યુવાનની લુંટ કરી માર મારવાના કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી જામનગરની સેશન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, ગઇ તા. ૨૨-૯-૨૦૧૯ ના રોજ ફરીયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવરા કે જેઓ જામનગર મહાનગર પાલિકામાં નોકરી કરે છે, તેઓ રાત્રીના ૧-૩૦ થી ૨-૦૦ વાગ્યાની આસપાસ તેની જ્ઞાતિના સુરેશભાઇ મુલચંદભાઇ મંગી મરણ ગયેલ હોય તેમના ઘરે ખંભાળીયા નાકા બહાર ન્યુ સ્કુલ પાછળ જોવા ગયેલ, તે સમયે તેની જ્ઞાતીના જયેશ ઉર્ફે જીગ્નેશભાઇ નંદા તથા જીતેન્દ્ર ઉર્ફે ગટુ ભરતભાઇ નંદા તથા સંદીપ ઉર્ફે ગોપાલ ભરતભાઇ કનખરા તથા બાલો ઉર્ફે અજય ભરતભાઇ કનખરા તથા વિશાલ ઉર્ફે કાનો મુકેશભાઇ નંદા તથા હિરેન ચમનભાઇ ફલીયા પણ ત્યાં આવેલ બાદમાં તેઓએ ફરિયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવરાને જોઇ ઉપરોકત છએ આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયેલ અને ઉપરોકત છએ આરોપીઓ સેન્ટ્રલ બેંક પાસે આવેલ વિજય કોલ્ડ્રીંકસ પાસે હથીયારો સાથે ઉભા રહી ગયેલ, તેવામાં વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ફરીયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવરા તેનું મોટરસાયકલ લઇ ઘરે જવા માટે નીકળેલ ત્યારે સેન્ટ્રલ બેંક પાસે વિજય કોલ્ડ્રીંકસ પાસે પહોંચતા ઉપરોકત છએ આરોપીઓએ તેઓને રોકેલ, જેમાં જીતેન્દ્ર ઉર્ફે ગટુ નરેન્દ્રભાઇ નંદા પાસે ક્રિકેટની લાકડાની સ્ટમ્પ હતી તથા સંદીપ ઉર્ફે ગોપાલ ભરતભાઇ કનખરા પાસે લાકડાનો જાડો ધોકો હતો તેમજ લાલો ઉર્ફે અજય ભરતભાઇ કનખરા તથા વિશાલ ઉર્ફે કાના મુકેશભાઇ નંદા પાસે તથા હિરેન ચમનલાલ ફલીયા પાસે લાકડાના ધોકાઓ હતા અને આ સમયે જયેશ ઉર્ફે જીગ્નેશ ભરતભાઇ નંદાએ ફરીયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવરાને જેમ ફાવે તે ભુંડા બોલી ગાળો આપવા લાગેલ, જેથી  ફરીયાદીએ જણાવેલ કે, આપણે જુની માથાકુટ થઇ છે તેનું સમાધાન થઇ ગયેલ છે તો હવે કેમ તું ગાળો આપે છે તેમ કહેતા જયેશ ઉર્ફે જીગ્નેશ ભરતભાઇ નંદાએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી જીતેન્દ્રને એક છરીનો ઘા મારેલ, જેથી ફરીયાદી જીતેન્દ્ર તેના મોબાઇલમાંથી પોલીસને ફોન કરવા જતા તેનો ફોન પણ ઝુંટવી લીધેલ અને બાકીના તમામ આરોપીઓએ ફરીયાદી જીતેન્દ્રને આડેધડ પગમાં તથા શરીર ઉપર મારા મારેલ અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ અને ત્યાંથી મારી આ તમામ આરોપીઓ તેની મોબાઇલની લુંટ કરી ચાલ્યા ગયેલ, ત્યારબાદ આ જીતેન્દ્રને જામનગરની જી.જી. હોસિપટલમા઼ સારવારમાં દાખલ કરવામાં આવેલ., અને ત્યાં સારવાર દરમ્યાન ફરીયાદી જીતેન્દ્રએ ઉપોકત છએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ. આ ફરીયાદના આધારે જામનગર સીટી 'એ' ડિવી. પો.સ્ટે. મા઼ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરેલ અને ઉપરોકત છએ  આરોપીઓની ધરપકડ કરેલ.

આ કેસમાં  ઉપરોકત છએ આરોપીઓ જયેશ ઉર્ફે જીગ્નેશભાઇ નંદા તથા જીતેન્દ્ર ઉર્ફે ગટુ ભરતભાઇ નંદા તથા સંદીપ ઉર્ફે ગોપાલ ભરતભાઇ કનખરા તથા લાલો ઉર્ફે અજય ભરતભાઇ કનખરા, તથા વિશાલ ઉર્ફે કાનો મુકેશભાઇ નંદા તથા હિરેન ચમનલાલ ફલીયા એ જામનગરની સેશન્સ કોર્ટમાં શ્રી એસ.ડી. મહેતા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરેલી.

આ જામીન અરજીનો વિરોધ કરવા મુળ ફરીયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવારા તરફે વકીલ તરીકે મનોજ એમ. અનડકટ તથા રાજેશ એમ. અનડકટ તરફથી લેખીત વાંધારો રજુ કરવામાં આવેલ અને જણાવેલ કે, હાલના ઇજા પામનારે પ્રથમ જામનગરની જી.જી. ઓસિપટલે સારવાર લીધેલ અને ત્યાંથી રજા આપતા તેના ઘરે ગયેલ અને તબીયત બગડતા જામનગરની ક્રીટીકલ કેસ હોસ્પિટલમાં દાખલ થયેલ એટલે હજુ સારવાર નીચે હોય અને તમામ આરોપીઓનો ભુતકાળ ગુનાહીત હોય જામીન રદ કરવા માંગણી કરેલી

જામનગરના એડીશ્નલ સેશન્સ જજ શ્રી એસ.ડી.મહેતાએ ઉપરોકત રજુઆતો ધ્યાનમાં લઇ તમામ આરોપીઓની જામીન અરજી રદ કરેલ હતી.

આ  કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ જે.કે. ભંડેરી તથા મુળ ફરીયાદી જીતેન્દ્ર દિનેશભાઇ હરવાર તરફે વકીલ મનોજ એમ. અનડકટ, રાજેશ એમ. અનડકટ, કલ્પેશ દાવડા, હેત અનડકટ, નિર્મળસિંહ જાડેજા,હેત એમ. અનડકટ, નિર્મળસિંહ એન. જાડેજા, મીહીર એચ.મહેતા તથા જીગર બી. આચાર્ય, કીંજલ કે. મજીઠીયા, હર્શાલી એન. જેઠવા રોકાયેલા હતા.

(1:02 pm IST)