Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગોંડલમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના ચેરમેનોની મિટીંગ યોજાઈ

 ગોંડલ, તા. ૧૬ :. માર્કેટીંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રની ૨૬ એ.પી.એમ.સી.ના ચેરમેનો અરવિંદભાઈ તાગડીયાની આગેવાની નીચે એક મીટીંગ મળેલ. છેલ્લા બે વર્ષથી ટેકાના ભાવે ખરીદાતી મગફળી, તુવેર, ચણા વગેરે જણસીઓની માર્કેટ સેસ હજુ સુધી મળેલ નથી.

સરકારમાં લેખીત તથા મૌખીક રજુઆતો કરવા છતા આજ સુધી કોઈ નિર્ણય આવેલ નથી. હમણા ઘણી બજાર સમિતિઓને સેસના નાણા ચૂકવી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની આ ૨૬ બજાર સમિતિઓનો શું વાંક છે ? માર્કેટયાર્ડ માત્ર સેસ ઉપર જ નભતી હોય અને સરકારની કોઈપણ જાતની ગ્રાન્ટ મળતી ના હોય કર્મચારીનો પગાર બીજા ઘણા ખર્ચાઓ તેમજ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં વેચવા આવતા ખેડૂતો માટે ચા-પાણી જમવાની પણ વ્યવસ્થા પણ બજાર સમિતિઓ કરતી હોય છે. ગત સાલ નબળું વર્ષ ગયું હોવાથી બજાર સમિતિઓને સેસની આવકમાં પણ ઘણો ઘટાડો થયેલ હતો.

તેથી વહીવટ કરવો તે પણ ઘણો મુશ્કેલ પડે છે. આવી બાબતના દરેકના મંતવ્યો આપ્યા હતા. આ બાબતે થોડા દિવસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ પ્રતિનિધિ મંડળ જઈ અને રજુઆત કરશે.

આ મીટીંગમાં હાજર રહેલા તમામ એ.પી.એમ.સી.ના ચેરમેનોનું એપીએમસીના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા તેમજ, વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા, ડાયરેકટર બાવુભાઈ ટોળીયા અને રમેશભાઈ સાવલીયાએ તમામ ચેરમેનોનું સ્વાગત કરીને આવકાર્યા હતા. થોડા દિવસ બાદ આ બાબતે કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો આગામી મીટીંગમાં લડાઈની રણનીતિ ઘડવામાં આવશે તેવુ અરવિંદભાઈ તાગડીયાએ જણાવ્યું હતું.

(11:52 am IST)