Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.ગુરૂદેવ શ્રી અમીચંદજી મહારાજ સાહેબનો ૮૯ જન્મોત્સવ

રાજકોટઃ જૈન કૂળમાં જન્મ ધારણ કરે તે જ જૈન સાધુ બની શકે એવું નથી.પૂજય અમીગુરૂ જન્મે જૈન નથી,પટેલ પરિવાર,ધરતી પુત્ર છે.તેઓનો જન્મ ચૂડા તાલુકાના ખોબા જેવડા ભૃગુપુર ( ભડકવા ) ગામમાં ખેડૂત કડવા પટેલ પરિવારના પૂણ્યશાળી પિતા કેશુભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી મોંદ્યીબેનની કૂખે થયેલ.પરિવારમાં તળશીભાઈ, પ્રેમજીભાઈ, અમરશીભાઈ (પૂ.અમીગુરૂ ) તથા સમજુબેન એમ,ચાર ભાઈ-ભગિનીનો પરિવાર. અમરશીભાઈ અમરત્વ લેવા જ જણે જન્મયા હોય એમ, કુટુંબીજનોએ તેઓનું શુભ નામ અમરશી રાખેલ. તેઓનો ઉછેર રાજકોટના પૂણ્યવંત નંદલાલભાઈ કોઠારી પરિવારમાં થયેલ.જેનાથી તેઓને જૈન સંતોનો પરિચય થયો.૨૦૦૧ માં પૂ.નવીન ગુરૂની રાજકોટમાં દીક્ષા થઈ.એક વખત અમરશીભાઈએ પ્રવચનમાં સાંભળ્યુ કે જૈન ધર્મ તો પાળે એનો ધર્મ છે.આ મહાવીરનું શાસન છે,જયાં સૌના સરીખા આસન છે.

અમરશીભાઈએ મનોમન નક્કી કર્યું કે હું ખેડૂત પુત્ર છું, પરંતુ મારે હવે મારા આત્માની ખેતી કરી સંયમ થકી આત્મ કમાણી રૂપી મબલખ પાક મેળવવો છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તેઓએ તા.૨૦/૨/૧૯૪૮ ના શુભ દિવસે બોટાદ સંપ્રદાયના દાદા ગુરુદેવ પૂ.શ્રી માણેચંદજી મ.સા.પાસે કરેમિ ભંતેનો પાઠ ભણેલ. જીવદયા પ્રેમી નાગરભાઈએ જણાવ્યું કે અમીગુરૂએ પૂ.ગુરૂદેવ શિવલાલજી મ.સા.ને ગુરૂ તરીકે ધારણ કરેલ.અમીગુરુએ નાગનેશ ગામની પૂણ્ય ભૂમિ ઉપર માત્ર ૧૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધેલ.ગોંડલ સંપ્રદાયના પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના મુખમાથી શબ્દો સરી પડેલ કે  ગુરૂદેવ નૂતન - અમીની જોડી,કોઈ ના શકે તોડી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોં.સં.ના પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.એ બોટાદ સંપ્રદાયમાં ચતુર્થ તીર્થ સ્થાપવામાં બેજોડ અનુમોદના કરેલ.

પૂ.ચંપાબાઈ મ.સ., પૂ.સવિતાબાઈ મ.સ., પૂ.મંજુલાબાઈ મ.સ.અને પૂ.સરોજબાઈ મ.સ.એમ એક સાથે ચાર - ચાર આત્માઓનો સંયમ મહોત્સવ બોટાદમાં ઉજવાયેલ.બોટાદ સંપ્રદાયમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વિધીવત સ્થાપના થઈ. સંયમ મહોત્સવમાં પૂ.પારસ મૈયાની પ્રેરક ઉપસ્થિતિ એટલું જ નહીં પરંતુ વર્ષો સુધી નૂતન દીક્ષિત આત્માઓની સારણા - વારણા સહિત સંયમ જીવનનું પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.એ આદર્શ ઘડતર કર્યું.

વર્તમાનમાં બોટાદ સંપ્રદાયમા ગચ્છાધિપતિ પૂ.અમીગુરૂ, પૂ.શૈલેષ મુનિ મ.સા., પૂ.જયેશમુનિ મ.સા.તથા પૂ.સુપાશ્રમુનિ મ.સા.સહિત ૪ સંતો અને શ્રમણી શ્રેષ્ઠા સાધ્વી રત્ના પૂ.સવિતાબાઈ મ.સ.સહિત ૫૦ પૂ.મહાસતિજીઓ ભારતભરમાં જિનાજ્ઞા પ્રમાણે વિચરણ કરી સંપ્રદાય તેમજ શાસનનું ગૌરવ વધારી રહેલ છે.

પૂ.અમીગુરૂ ૮૯ વર્ષના માનવ જીવનમાં ૭૨ વર્ષ સુદીર્ઘ સંયમ જીવનનું પાલન કરી રહ્યાં છે. ગત વર્ષે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મ.સા.બોટાદ પૂ.અમીગુરૂના દર્શને પધારેલ.પરમ શ્રધ્ધેય પૂ.ધીર ગુરૂદેવને જોઈને પૂ.અમીગુરૂ પ્રસન્ન થઈ ગયેલ.

કદાચિત ગુજરાતના સ્થાનકવાસી સંપ્રદાયમાં સહુથી સુદીર્ઘ સંયમ પર્યાયધારી પૂ.અમીચંદજી મ.સા.છે.પૂ.અમીગુરૂને દરેક સંપ્રદાયના સંતો સાથે આત્મીયતા ભર્યો નાતો છે, તેમાં પણ ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓને નિહાળતા જ અતિ હર્ષિત થઈ જાય.પૂ.અમીચંદજી મ.સાહેબે બોટાદ સંપ્રદાયના મુખ્ય ક્ષેત્રો બોટાદ, પાળિયાદ, રાણપુર, ગઢડા, ઢસા,લાઠી, દામનગર તેમજ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મારવાડ સહિત અનેક નાના - મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની અજોડ શાસન પ્રભાવના કરેલ છે.છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત આરોગ્યને કારણે બોટાદ સ્થિરવાસ બીરાજમાન છે.સેવાભાવી પૂ.શૈલેષમુનિ મ.સા.તેઓની અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરી રહેલ છે.બોટાદ સંઘ પણ અપૂર્વ વૈયાવચ્ચ કરી રહેલ છે.પૂ.અમીગુરૂ પ્રખર વ્યાખ્યાતા છે.તેઓએ કહે છે કે વણિકો બહુ બુધ્ધિશાળી એટલે જ તેઓએ અહિંસા પ્રધાન રૂડો ધર્મ અપનાવ્યો છે.

બોટાદ સંઘમાં સાધ્વી રત્ના પૂ.ઈન્દિરાજી મ.સ.આદિ ઠાણા ૩ તથા સાધ્વી રત્ના પૂ.સુધાજી મ.સ.આદિ ઠાણા ૪ ના શુભ સાનિધ્યમાં તથા અનેક ક્ષેત્રોમાં પૂ.અમી ગુરૂનો જન્મોત્સવ તપ - ત્યાગપૂર્વક  ઉજવાયેલ સંકલનઃ મનોજ ડેલીવાળા,રાજકોટ મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(11:45 am IST)