Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વિંછીયા - જસદણ હાઇવે રોડમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ નથી : લોકોને હાલાકી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૧૬ : વિંછીયામાં સામાન્ય વરસાદ પડે તો પણ ઠેરઠેર પાણીના તલાવડા ભરાઈ જતા હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિંછીયામાં જસદણ હાઈ-વે રોડ પર આવેલ બગીચા પાસે વરસાદી પાણીના સતત તલાવડા ભરાયેલા રહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેના કારણે આજુબાજુના દુકાનદારો અને રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે.

આ વિંછીયા-જસદણ હાઈ-વે રોડ હોવા છતાં જેતે જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ સમસ્યા ઉદભવી રહી છે. જેથી વિંછીયા ગ્રામપંચાયત અને આર.એન.બી.ના જવાબદાર અધિકારીઓ દ્વારા તાકીદે આ રોડ પર ભરાતા વરસાદી પાણીના તલાવડાના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને જે જગ્યાએ પાણીનો સતત ભરાવો રહે છે તે જગ્યાએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી જાગૃત લોકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

(10:44 am IST)