Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ખંભાળીયાનો સોની પરિવાર જુગારની બદીમાં પરિવાર ટૂટવાની અણી પર

લોભ ને થોભ ન હોય તેમ કરોડોની મિલ્કત છતાં જૂગારના રવાડે ચડી જીંદગી બગાડીઃ ખંભાળીયાના અગ્રણી સોની વેપારી દિવ્યેશભાઇ વાયા વ્યાજખોરોની ભીસથી ભુગર્ભમાં ચાલ્યા ગયા એએસપી પ્રશાંતકુમારે મુળ સુધી પહોંચવા તપાસમાં ઝૂકાવ્યું

 ખંભાળીયા તા. ૧૬ :.. અહીંની ગગવાણી ફળીમાં રહેતા તથા એક સમયે ખુબ જ નામના ધરાવતા સોની દિવ્યેશ દિનેશભાઇ વાયા (ઉ.૪૦) બાપદાદાની કરોડો રૂપિયાની જમીન મીલ્ત ધરાવતો હતો તે જૂગારની લતે ચડી જતાં જમીન, પ્લોટ, મકાન, મિલ્કત સોનું દાગીના મૂકીને ભાગવું પડયું હોય તેવું થતાં સમગ્ર ખંભાળીયા શહેરમાં ભારે ચકચાર જાગી છે.

ચર્ચાસ્પદ પત્ર લખી ગૂમ થયા...!!

હું અને મારી પત્ની દીપ્તી અમારા સંતાનો તથા માતાના ગુનેગાર છીએ એમ લખીને એક ચર્ચાસ્પદ પત્ર ત્રણ પાનાનો લખીને ૩-૯-૧૯ ના રોજ પત્ર તારીખનો આ પત્ર લઇને દિવ્યેશ તેની પત્ની દિપ્તી તથા યશ પુત્ર ગૂમ થઇ જતાં ભારે ચકચાર જાગી છે.

અનેક ચોખવટો સાથેનો સ્ફોટક પત્ર

દિવ્યેશ દિનેશ સોનીએ કોઇના સંબોધન વગરનો લખેલો પત્ર ભારે સ્ફોટક છે. જેમાં તેણે કયાં કયાં જૂગાર રમતો હતો તથા કોણે કોણે તેના પર દબાણ કરેલું તે ઉપરાંત કોણે કોણે ૩ થી પ ટકા લેખે પૈસા વ્યાજે આપ્યા તે બધુ વિસ્તારથી લખેલું છે.

ત્રીજી વખતાં  ભાગવું પડયું...!!

જૂગારની લતે ચડી ગયેલા દિવ્યેશ સોનીને તેના ખાસ મિત્ર નીતિન ગણાત્રા તથા ખંભાળીયાના અનેક મિત્રોએ સમજાવ્યો હતો પણ તે જૂગારની લત છોડી જ ના શકયો.

અઠંગ જુગારી અને જુગારનો રસિયો એવો હતો કે રાજકોટ, ગોંડલ, સૌરાષ્ટ્રના અન્ય શહેરો તથા ખંભાળીયામાં જૂગાર રમવા જતો અને કેટલીક વખત તો પ૦-પ૦ લાખ હારી ગયો હતો જે પત્રમાં રાજકોટમાં ૯પ લાખ હારી ગયાની કબુલાત પણ આપી હતી.

દિવ્યેશ આ રીતે અગાઉ પણ જૂગારમાં મોટી રકમ હારી જતાં  બે વખત તો પ્લોટ, જમીન, સોનું વેંચીને તેણે આબરૃં બચાવેલી. અગાઉ એક કિંમતી જમીન રાજકીય અગ્રણીને વેચી હતી તથા સ્થિતી એવી હતી કે તેને ત્યાં સોનુ મૂકીને દાગીના બનાવવા આવતા લોકોનું સોનું પણ તે ગીરવે મુકીને પૈસા લઇ ને જૂગાર રમતો હતો...

આ સુસાઇટ નોટ નથીઃ ત્રણેય કયાંક ચાલ્યા ગયા છે...!!

દિવ્યેશ સોનીએ જે સ્ફોટક પત્ર લખ્યો છે તેને ઘણા સુસાઇટ નોટ કહે છે પણ આ તે નથી કેમ કે આ પત્રમાં તે મૃત્યુ પામવાનું કયાંય લખતો નથી હા તેની માતા તથા યશને કોઇ હેરાન ના કરે તે માટે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડા તથા પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને ભલામણ લખતો ગયો છે. પણ તેની પત્ની તથા પુત્ર સાથે હોવાનું કહેવાય છે.

માતા પોલીસમાં ગયા

દિવ્યેશ સોની દુકાનને તાળા મારી પત્ર મુકીને ચાલ્યો જતાં તેના પુત્ર અને પત્ની પણ ના હોય તેની માતા એ પોલીસમાં જાણ કરેલ પણ પોલીસે ઘર તથા દુકાનની મુલાકાત લીધી હતી તથા દિવ્યેશ રૂબરૂ આવે તો જ  આગળ તપાસ થાય તેમ કહ્યું હતું.

પૂર્વ પી.આઇ. જાડેજાને  વિગત મળેલી

ખંભાળીયાના પૂર્વ પી. આઇ. અરવિંદસિંહ જાડેજા જેઓ હાલ રાજકોટ છે તેમને દિવ્યેશના સંબંધીએ આ ઘટના બન્યાની વાત કહેતા તેમણે તેના સંબંધીને ખંભાળીયા પોલીસ પાસે મોકલતા આખી ઘટના બહાર આવેલી.

એ.એસ.પી. પ્રશાંતકુમારે તપાસમાં ઝકાવ્યું

ખંભાળીયા એ. એસ. પી. પ્રશાંકુમાર શુકલે એ આ કેસમાં ઝૂકાવ્યું છે. તેમણે એક મુલાકાતમાં જણાવેલ કે દિવ્યેશના સોની જયાં હોય ત્યાંથી પોલીસમાં હાજર થાય તો પોલીસ જે બાબત સાચી હોય તેમાં તેને સાથ આપશે. તથા તટસ્થ તપાસ પણ કરશે જરૂર પડયે પોલીસ રક્ષણ આપશે તથા તેને ડરાવી ધમકાવી કોઇ વસ્તુ કબજે કરી હોય તો ફરીયાદ પણ નોંધશે.

કોઇ વસ્તુનું લખાણ હોય તો પોલીસ કંઇ ના કરી શકે પણ ગેરકાયદે ઉંચા વ્યાજે વ્યાજ ઘરાઉનો ધંધો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે જો કે દિવ્યેશની ચીઠ્ઠીમાં ૩ થી પ ટકા વ્યાજે લેનારા, જૂગાર રમાડનારા, પૈસાની ઉઘરાણી કરનારાઓના નામો જાહેર થતાં આવા કેટલાક પલાયન થઇ ગયા છે.

દિવ્યેશના દાદા અગાઉ કોલવા ગામે ખંભાળીયા રહેતા હતા તેઓ ગગવાલી ફળીમાં એક ભાટીયાનુ જુનુ મકાન લઇને તેને પાડીને નવું બનાવ્યુ હતું ત્યારે આ મકાનમાંથી સોનાના બે ચરૂ નીકળ્યા હોવાનું પણ સ્થાનીકોમાં ચર્ચા છે જે પછી આ પરિવાર સમૃધ્ધ થયેલો તથા ખુબ જ આગળ પડતો ધનવાન પરિવાર હતો પણ જૂગારના દુષણે પરિવારને બરબાદ કરી નાખ્યો. ગગવાણી ફળીમાં દરેક પ્રસંગો, તહેવારોમાં ઉજવણીમાં દિવ્યેશ ભાગ લેતો હતો. ઘટના બહાર આવતા તેના માતાની સ્થિતિ બગડતા હોસ્પિટલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

ભાણવડ રોડ પર જમીન વેચીને દેવું ચુકવવા  પ્રયાસ કરેલો

દિવ્યેશ સોની ઢગલાબંધ લોકો પાસેથી વ્યાજે પૈસા લઇને મિલકત વેચીને કર્જો ચુકતે  કરવા તથા આબરૂ બચાવવા પ્રયત્નો કરેલા છેલ્લે  સ્થિતિ ખરાબ થતાં તેણે ભાણવડ રોડ પરની ૯ વીઘા જમીન ખંભાળીયાના જાણીતા વેપારી ભરતભાઇ મોટાણીને વેચીને દેવું ચુકતે કરવા પ્રયત્નો કરેલા પણ ભરતભાઇએ સોદાની વાત કરતા જ અનેક વ્યકિતઓ આ જમીન અમને આપેલી છે તેમ કહેતા તેમણે જ સોદો રદ કર્યો હતો.

પોલીસ તપાસ ચાલુઃ  નવા ધડાકા થશે

આ ચર્ચાસ્પદ બનાવ અંગે ખંભાળીયા એ. એસ. પી. પ્રશાંતકુમાર શુકલેના માર્ગદર્શન હેઠળ પી.આઇ. પી.એ. દેકાવાડીયાએ તપાસ હાથ ધરી છે. તેના મિત્રો, મોબાઇલ લોકેશન, વિદેશ ગયા હોય તો પાસપોર્ટ એન્ટ્રી વિ. ઉપરથી તપાસ હાથ ધરી છે. સોની વેપારીના આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.

દુકાન પર બોર્ડ ગુમ થયા

દિવ્યેશ ગૂમ તેની દુકાન પર આ દુકાન અમારી છે તેવા બોર્ડ તેના લેણેદારોના લાગેલા તે પોલીસ ચિત્રમાં આવતા 'ગુમ' થઇ ગયા છે. (પ-૧૭)

 

(1:27 pm IST)