Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મહુવામાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં તુલસી જયંતિ મહોત્સવ યોજાયો

તુલસીદાસજીમાં એકાત્મ ભારતની ભાવના સમાયેલી હતીઃ આરીફ મોહમ્મદખાન

રામચરિત માનસમાં છે બધી સમસ્યાઓનું સમાધાનઃ શંકરાચાર્ય રામસ્વરૂપાચાર્ય

ભાવનગર તા. ૧૬ :.. રામચરિત માનસના રચયિતા સંત તુલસીદાસજીના જન્મોત્સવને મોરારીબાપુ દ્વારા તુલસી જયંતિ મહોત્સવ તરીકે મનાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ આયોજન નહોતું થઇ શકયું પણ આ વર્ષે ૧૧મો મહોત્સવ મહુવાના કૈલાસ ગુરૂકુળમાં શુક્રવારથી શરૂ થયો હતો. ત્રણ દિવસનો આ સમારોહ રવિવારે સમાપ્ત થયો. આ કાર્યક્રમમાં ભાગવત અને રામચરિત માનસના વિદ્વાન કથા વાચકોએ પોતાના વિચારો વ્યકત કર્યા હતાં.

આયોજનમાં ઓનલાઇન ભાગ લેતા કેરળના રાજયપાલ આરિફ મોહમ્મદખાને કહ્યું કે તુલસીદાસથી એકાત્મ ભારતની ભાવનાના પ્રણેતા હતાં. જયારે તેઓ આ ગ્રંથની રચના કરી રહયા હતા તે સમયને ક્રાંતિના રૂપમાં જોવો જોઇએ.

તુલસી જયંતિ મહોત્સવમાં જગતગુરૂ શંકરાચાર્ય રામસ્વરૂપાચાર્યએ કહયું કે દેશમાં જે કંઇ પણ સમસ્યા છે, પછી તે રાજકારણ હોય, કે સામાજીક એ બધાનું નિરાકરણ રામચરિત માનસમાં છે. આ કાર્યક્રમમાં લખનૌના અરવિંદ પાંડે, કાશ્મીરના ડોકટર કરણસિંહ, મધ્ય પ્રદેશના મુરલીદાસ, વૃંદાવનના રામજ્ઞાન પાંડે, બ્રીજેશ પાઠક, મૈથિલી શરણ મહારાજ, ગુણવંત શાહ, કથાકાર ઇંદીરા શાસ્ત્રી, ભુપેન્દ્ર પંડયા વગેરેએ સંબોધન કર્યુ હતું. કાર્યક્રમનું સંકલન અને સંચાલન રામચરિત માનસના ઉત્તર ભારતના ચિંતક કૃષ્ણશંકર ત્રિપાઠી (વારાણસી)એ કર્યુ હતું. 

(12:32 pm IST)