Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દેશની પ્રગતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠા, વિકાસમાં સૌ સંકલ્પબધ્ધ થઇએઃ આચાર્ય દેવવ્રતજી

જુનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવનાર લોકશકિત-સ્વાતંત્ર્યવીરો આપણા સૌ માટે પ્રેરણારૂપ ૦: સાડા ૬ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છા શકિત થકી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ છેઃ વિજયભાઇ રૂપાણી : સ્વરાજથી સુરાજય તરફ આગળ વધવા સંકલ્પબધ્ધ બનીએઃ દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએઃ આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય વીરોને બિરદાવીએઃ આ લડતને લીધે જુનાગઢ ભારતમાં જોડાયું : જુનાગઢ જિલ્લાના વિકાસ કામો માટે રૂ. ૭.પ૦ કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીઃ કલેકટર સહિતના અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણઃ ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જુનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી બનતા રાજયપાલ અને મુખ્યમંત્રી

રોપ-વે સફર દ્વારા ગરવા ગિરનાર પર પ્રકૃતિ દર્શન કરતાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત : જૂનાગઢ :   ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતનાં સૌંદર્યને મનભરીને માણ્યું હતું.  સાથે સાથે રાજયપાલશ્રીએ રોપ વે સફર દ્વારા  વર્ષાઋતુને કારણે ગરવા ગિરનાર પર સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રકૃતિ દર્શનનો લ્હાવો પણ માણ્યો હતો. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી સાથે રોપ-વે મારફત અંબાજી મંદિરે પહોચ્યાં હતા તેમજ ગરવા ગિરનારની ગરિમાને ઉજાગર કરતા અંબાજી મંદિર સહિત આસપાસના અન્ય ઐતિહાસિક સ્થળોને નિહાળ્યા હતા. રાજયપાલશ્રીએ ગિરનાર પરના વિવિધ ઐતિહાસિક સ્થળો, ગિરનાર સાથે જોડાયેલ ઐતિહાસિક તથ્યો, ગિરિ પર્વત પરની વન સંપદા, અહીંની પ્રવાસન સુવિધા સહિતની બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી. રાજયપાલશ્રીએ પોતાની મુલાકાત દરમિયાન યાત્રાધામ ખાતે ઊપસ્થિત યાત્રાળુઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.રાજયપાલશ્રીને રોપ-વે ખાતે ઉષા બ્રેકોના રિજીયન હેડ શ્રી દિપક કપલીશ તથા રેસિડેન્ટ મેનેજરશ્રી જી.એમ.પટેલે આવકાર્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જૂનાગઢ) 

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા.,૧૬  : ભારત વર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહભાગી થઇ જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ગણમાન્ય નાગરિકોનું સન્માન-અભિવાદન કર્યુ હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી જણાવ્યુ હતુ કે, જૂનાગઢની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ પ્રદેશને ભારત સાથે જોડવાના આરઝી હકૂમતના સંગ્રામના સંસ્મરણોથી જોડાયેલી છે. રાજયપાલશ્રીએ જૂનાગઢની રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પસંદગી કરી તે અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર રાજય સરકારને પ્રશાસનને અભિનંદન આપી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સૌ નાગરિકો દેશની પ્રગતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને વિકાસ માટે સંકલ્પ બદ્ઘ બને તેમ ઉમેર્યુ હતું.

ગુજરાતની ધરતીએ મહાત્માગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, જેવા મહાપુરૂષો-ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે તેમ જણાવી સરદાર વલ્લભભાઇ પટેલે દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું મહાન કાર્ય કર્યું તેમ જણાવ્યુ હતું.

જૂનાગઢને ભારતનું અભિન્ન બનાવનાર લોકશકિત-સ્વાતંત્ર્ય વીરો આપણને સૌને પ્રેરણા આપે છે તેમ જણાવ્યુ હતું.

ગિરનાર ક્ષેત્ર આધ્યાત્મિક ચેતના ઉજાગર કરે છે, જૂનાગઢ જિલ્લાને પ્રકૃતિએ-ભગવાને સમૃદ્ઘિ આપી છે તેમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે પ્રગતિ કરે, નવી ઉંચાઇ હાંસલ કરે તે અભિયાનમાં સહભાગી થવા રાજયપાલશ્રીએ આહવાન કર્યુ હતુ.

રાજયપાલશ્રીએ ગુજરાત તમામ માટે પ્રેરણારૂપ બને તેવી અપેક્ષા વ્યકત કરતા જણાવ્યુ હતુ કે ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીના અવસરે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે રૂપિયા ૭.૫૦ કરોડની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના સ્વાતંત્ર્યવીરોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મેડમ કામા, સરદારસિંહ રાણા સહિતના વીર સપૂતોએ આપણને આઝાદી અપાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, જેના પરિણામે આપણને સ્વરાજય પ્રાપ્ત થયું છે. ત્યારે આપણે આઝાદીના ૭૫ માં વર્ષે સ્વરાજયથી સુરાજય તરફ આગળ વધવા સંકલ્પબદ્ઘ બનવું પડશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના વિકાસનો પાયો નાંખ્યો હતો, તેમની કેડીએ ચાલીને આ સરકાર ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા પ્રતિબદ્ઘ છે. આજે ગુજરાત દસેય દિશામાં વિકાસ કરી રહ્યું છે, અને નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ઉત્પાદન અને વિકાસની અનેક બાબતોમાં ગુજરાત અગ્રેસર છે. જેમાં સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને ગુજરાત સરકારની દ્રઢ ઇચ્છાશકિત સામેલ છે.

તેમણે આ તકે દેશ માટે મરવાના નહીં, પરંતુ દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢની આરઝી હકુમતની લડતને વધાવતા ઉમેર્યું હતું કે આરઝી હકુમતના સેનાનીઓ શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, પુષ્પાબેન મહેતા, દરબાર ગોપાલદાસ, શુરગભાઇ વરૂ અને શંભુ પ્રસાદ દેસાઇ  સહિતના લડવૈયાઓએ આપેલી લડત અને સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની દીર્દ્યદ્રષ્ટિથી જૂનાગઢ આજે ભારતનું અભિન્ન અંગ બન્યું છે.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની શ્રી લાભશંકર દવે, લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, ઇતિહાસકાર શ્રી પ્રદ્યુમન ખાચર, ઢોલકવાદક શ્રી હાજીભાઇ રમકડુ, રમત ગમત ક્ષેત્રે લાલાભાઇ પરમાર અને દેવકુમાર આંબલીયા, કૃષિ ક્ષેત્રે પરષોતમ સીદપરા અને હિતેષભાઇ દોમડીયાને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત શ્નતારા નામમાં ઓ સ્વતંત્રતાથીમ આધારિત દેશ ભકિત આઝાદીની ચળવળ અને આરઝી હકુમતના સંગ્રામની ગાથા રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેમાં, ૧૨૦ થી વધુ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત શહેરના નાગરિકોએ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં ભાગીદાર થયેલ તમામ કલાકારોને મુખ્યમંત્રીશ્રી તથા રાજયપાલશ્રીએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરાયેલ રૂ.૭.૫૦ કરોડની રકમમાં રૂ.૨.૫૦ કરોડ જૂનાગઢ મહાનગરને, રૂ.ર.૫૦ કરોડ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને અને રૂ.૨.૫૦ કરોડ નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે અપાશે. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રી, ડી.ડી.ઓ.શ્રી અને મ્યુનિસીપલ કમિશનરશ્રીને આ રકમના ચેક અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જોવાલાયક સ્થળો ને ઉજાગર કરતી જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પુસ્તિકા, ગિરનારી ગૌરવનો ગઢ જૂનાગઢ, તેમજ પોલીસ વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડા સામે કરેલી કામગીરીને પ્રદર્શિત કરતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પર્વે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લેડી ગર્વનર શ્રીમતિ દર્શનાદેવી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ડીજીપી આશિષ ભાટીયા,અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ કમલ દયાની, અધિક મુખ્ય સચિવશ્રી રમત-ગમત સી.વી. સોમ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર, અધિક સચિવશ્રી પ્રોટોકોલ જવલંત રાવલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરશ્રી રચિત રાજએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. 

(11:17 am IST)