Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

જામનગરમાં મકાન ધરાશાયીઃ બેના મોતઃ એક દટાયાની આશંકા

દેવુભા ચોકમાં લાદી નાખવાની કામગીરી સમયે દુર્ઘટનાઃ મેયર ફાયર બ્રિગેડ, પોલીસ ટીમ ઘટના સ્થળે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ :.. જામનગરનાં દેવુભા ચોકમાં મકાન ધરાશાયી થતા બે નાં મોત થયા છે જયારે એક વ્યકિત કાટમાળમાં દટાયો હોવાની આશંકા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના ટીંબાફળી નજીક આવેલ દેવુભાના ચોકમાં અનવરભાઇ દાઉદભાઇ ગંઢાર પોતાના મકાનનું રિનોવેશન કરતાં હતા જેમાં આજે લાદી બદલાવવાની કામગીરી સમયે અચાનક જ મકાન ધડાકભેર ધરાશાયી થતાં મકાન માલિક અનવરભાઇ દાઉદભાઇ ગંઢાર તેમજ કડીયા કામે આવેલા એક દાળિયા અને એક કડીયા કારીગર મકાનના કાટમાળ હેઠળ દટાઇ ગયા હતાં.

બીજી તરફ આ દૂઘર્ટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડ, એસ્ટેટ વિભાગ તેમજ પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી ગયો છે જો કે, ગીચ અને સાંકળો વિસ્તાર હોવાથી બચાવ રાહત કામમાં મુશ્કેલી પડી રહી છે.

દરમિયાન જર્જરીત થયેલું મકાન અચાનક જ ધરાશાયી થતાં આ સમયે મકાનમાં રહેલા બે મહિલાઓ દોડીને બહાર નીકળી ગયા હતા અને સદનસીબે તેઓને કોઇ જ ઇજા થઇ ન હતી. હાલમાં દેવુભાના ચોક ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે.

જો કે, દેવુભાના ચોકમાં આ બનેલી દૂઘર્ટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર તુરત જ હરકતમાં આવી ગયું હતું અને ગીચ તેમજ સાંકળો વિસ્તાર હોવા છતાં દબાણ વિભાગ અને ફાયર બ્રીગેડના કર્મચારીઓ જીવના જોખમે બચાવ કામગીરીમાં જોડાયા હતાં. ઉપરાંત પોલીસે પણ સારી કામગીરી કરી હતી.

ફાયરના શ્રી બિશ્નોયના જણાવ્યા અનુસાર એક વ્યકિતનો મૃતદેહ બહાર કાઢવામાં આવેલ છે તેમજ એક વ્યકિતનો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી  ચાલી રહી છે.

(3:14 pm IST)