Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

લાંચ કેસમાં જેતપુરના ડી.વાય.એસ.પી. ભરવાડની આગોતરા જમીન અરજીને અદાલતે ફગાવી દીધી

ધોરાજી તા ૧૬ : જેતપુરના ડીવાયએસપી ભરવાડ કાયદાના રક્ષક આજે ભક્ષક બની ગયા હોય એ પ્રકારે નાસ્તા ફરી રહયા છે. જેમની ધોરાજી કોર્ટમાં આગોતરા જમીન અરજી મુકતા ધોરાજી કોર્ટે આગોતરા જમીન નામંજુર કર્યા હતા.

તારીખ ૩ ઓગસ્ટ ૨૦૧૯ ના એસીબી અમદાવાદ તરફથી ધોરાજી આવકાર હોટલ પાસે રેડ કરી અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઇ સોનારા વિરૂધ્ધ આ રેડ સફળ થયેલી અને રેડ દરમિયાન રૂપિયા ૮ લાખ લાંચની રકમ તથા બીજા રૂપિયા ૩ લાખ ૭૩ હજારની રોકડ મળી આવેલી જે અંગે ગુન્હો નોંધાયા બાદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એમ.ભરવાડ પોતાની ફરજના સ્થળે થી ગાયબ થઇ ગયેલા હતા, જે તેઓએ તેમના એડવોકેટ મારફતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ શ્રી હેમતકુમાર અરવિંદભાઇ દવે સમક્ષ આગોતરા જામીન મળવા અરજી કરેલ હતી.

પોતાના વકીલ મારફતે રજા માંગી એવી દલીલો કરવામાં આવેલી હતી કે શ્રી જે.એમ. ભરવાડની લાંબા સમયની એકદમ દાગ વગરની કેરિયર છે, બોમ્બે બ્લાસ્ટ અને લઠ્ઠાકાંડ જેવા ગુનાની ગંભીરતા તપાસમા સરકારશ્રી તરફથી તેમને સોંપવામાં આવેલ છે. અને આવા રીઢા ગુનેગારો અને રાજકીય આગેવાનોના કાવતરાના ભાગરૂપે આ ફરિયાદ દાખલ થઇ છે. વિશાલ સોનારા અને ફરિયાદીને ધંધામાં ભાગીદારી છે અને ખોટી રીતે ફસાવી દેવામાં આવેલા છે. આવું કહી અને ગુજરાત વડી અદાલત તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આગોતરા જમીન માંગ્યા હતા.

ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રીકૃષ્ણસિંહ ગોહિલ કે જે મદદનીશ નિયામક લાંચ રૂશવત વિરોધી બ્યુરો બોર્ડર ભુજ ખાતે ફરજ બજાવી રહયા છે, તેમણે સોગંદનામુ રજુ કરેલ અને સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખ મારફતે દલીલ કરી હતી કે જે કોન્સ્ટેબલ અને અધિકારી વચ્ચે સંવાદ થયો છે તે સંવાદ ફરિયાદને અનુરૂપ છે., તપાસ નાજુક સંજોગોમાં છે અને સિનિયર અધિકારી કદી સીધી રીતે પોતે લાંચ નો સ્વીકારે, કોઇના મારફતે સ્વીકારે આ તમામ હકીકતો ધ્યાને લઇ અને એડીશનલ ડિસ્ટ્રિકટ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઇ દવે  એે આગોતરા જમીન રદ કરતા જણાવેલ હતું કે જે સિનીયર પોલીસ અધિકારી અને તેમના ઉપર કાયદાનું પાલન કરવાની જવાબદારી છેે હાલના સંજોગોમાં ભ્રષ્ટાચારના કેસ ઉત્તરોતર વધી રહ્યા છે. સામાન્ય માણસોના કોઇ કામ પૈસા વગર થઇ રહ્યા નથી, ત્યારે પોલીસ સાયન્ટિફીક એ થી તટસ્થ તપાસ કરે તે અનિવાર્ય છે અને કસ્ટોડિયલ ઇન્ટ્રગેશન વગર ગુનાના મુળ સુધી પહોંચી શકાય નહીં કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ને પોલીસનો સ્ટેચ્યુટરી રાઇટ છે. આ તમામ સંજોગોને ધ્યાને લઇ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એમ. ભરવાડની જામીન અરજી રદ કરવામાં આવી.

(1:15 pm IST)