Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ધોરજીમાં જન્માષ્ટમી લોકમેળા સમિતિમાં અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારીની નિમણૂક કરતા જિલ્લા કલેકટરઃ૧,૭૧,૦૦૦માં મેળાનું મેદાન ભાડે અપાયું

ધોરાજી,તા.૧૬: જન્માષ્ટમી લોકમેળા નો વિવાદ ભારે પ્રમાણમાં વકર્યો હતો અને લોકમેળા સમિતિ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈ મનદ્યડત કાર્યવાહી સામે નગરજનોમાં રોષ પ્રવર્તયો હતો.

પરિણામરૂપે ધોરાજીના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેકટર સુધી લેખિત રજૂઆત કરી લોકમેળા સમિતિ ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો હતો લોકમેળા પ્રશ્ને ભારે હોબાળો થયા બાદ જિલ્લા કલેકટર શ્રી એ લોકમેળા સમિતિ ના અધ્યક્ષ તરીકે મામલતદારના સ્થાને ધોરાજી પ્રાંત અધિકારી ની તાત્કાલિક નિમણૂક કરી હતી.

મામલતદાર ના અધ્યક્ષ સ્થાને રહેલી લોકમેળા સમિતિ એ લોક મેળાનું મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં પ્રથમ પ્રયાસમાં આશરે સાત લાખ રૂપિયા જેવી કિંમત અપસેટ પ્રાઇઝ રખાઈ હતી જેમાં એક પણ ટેન્ડર ન આવતા સમગ્ર પ્રક્રિયા રદ કરી બીજો પ્રયત્ન હાથ ધરાયો હતો જેમાં પણ સમિતિના અધ્યક્ષ દ્વારા ખુબ જ લાંબા દિવસો ની નિવિદા જાહેર કરાઇ હતી અને તેમાં પણ પ્રશ્નો ઉદભવતા અંતે જિલ્લા કલેકટર શ્રી એ લોકમેળા સમિતિ ના અધ્યક્ષ તરીકે મામલતદારના સ્થાને ધોરાજી પ્રાંત અધિકારી ની નિમણૂક કરતા ધોરાજીના લોક મેળાનું મેદાન રૂપિયા ૧,૭૧,૦૦૦ માં જન્માષ્ટમી મેળા માટે ભાડે આપવામાં આવ્યું હતું.

અગાઉ મેળાના મેદાન માટેની અપસેટ પ્રાઇઝ આશરે સાત લાખ નક્કી કરાઇ હતી ત્યારબાદ દ્યટાડી સાડા ચાર લાખ જીવી રાખવામાં આવી હતી અને અંતે માત્ર ૧,૭૧,૦૦૦ માં મેળાનું મેદાન આસામી દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું.

જો તંત્ર દ્વારા પહેલેથી જ અપસેટ પ્રાઇઝ તેમજ ટેન્ડર પ્રક્રિયા ના દિવસો ની મુદત ટૂંકાગાળાની રાખવામાં આવી હોત તો મેળાનું મેદાન ભાડે રાખનાર  એ મેદાન સાફ કરાવવા તેમજ વિવિધ રાઇડ્સ અને રમકડાં તેમજ ખાણીપીણીના સ્ટોલવાળા જગ્યા ફાળવી શકત.ઉપરાંત હવે જન્માષ્ટમી લોકમેળા આડે માત્ર આઠ દિવસ જેવો સમય ગાળો રહે છે. ત્યારે મોટાભાગના વેપારીઓ અને ચકડોળ અને રાઇડ્સ વાળા ધોરાજીને બદલે અન્ય શહેરોમાં યોજાતા મેળામાં પોતાના સ્ટોલ અને જગ્યા રાખી લીધી હોય ત્યારે જન્માષ્ટમીનો લોકમેળો નિષ્ફળ જાય તેવી સંભાવનાઓ વધી રહી છે.

(11:28 am IST)