Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

નીચી માંડલમાં અપહરણકારોની ચુંગાલમાંથી પત્નીને છોડાવતા પતિ પર બુકાનીધારીઓએ કર્યો જીવલેણ હુમલો:રાજકોટ ખસેડ્યો

બે બુકાનીધારીઓએ વાડીમાં ધસી જઈ પરપ્રાંતિય પરીણીતાને મુંગો દઇ અપહરણ કર્યું

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે મોડી રાત્રે વાડીએ સુતેલી પત્નીનું અપહરણ કરી જતા બે બુકાનીધારીની ચુંગાલમાંથી છોડાવવા વચ્ચે પડેલા પતિ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે ધ્યારામભાઇની વાડી વાવવા રાખતા રમેશભાઇ નંદુભાઇ ભીલ નામના 40 વર્ષના પરપ્રાંતિય યુવાન ઉપર બે શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પુછતાછમાં ઇજાગ્રસ્ત યુવાન અને તેની પત્ની મોડી રાત્રે વાડીએ સુતા હતાં. ત્યારે બે બુકાનીધારી શખ્સોએ વાડીએ ધસી આવી પરપ્રાંતિય પરીણીતાને મુંગો દઇ અપહરણ કર્યું હતું. પરિણીતાએ રાડો પાડી ઝપાઝપી કરતા તેણીનો પતિ રમેશ ભીલ જાગી ગયો હતો. પત્નીને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:44 pm IST)