Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

નર્મદા કેનાલ દ્વારા ૧૮ લાખ હેકટરમાં ખેડૂતોને લાભઃ નિતીનભાઇ પટેલ

જુનાગઢ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વિસાવદરમાં ઉજવણીઃ વિસાવદર-ધારી માર્ગને સાંકળતા રેલ્વે અંડર બ્રિજ ખુલ્લો મુકાયોઃ બિલખા માર્ગ પહોળો બનાવાતા ટ્રાફિક સમસ્યા હળવી બનશે

જૂનાગઢ,તા.૧૬: જૂનાગઢ જિલ્લા કક્ષાની ૭૩માં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી વિસાવદરમાં યોજવામાં આવી હતી. વિસાવદરના શાયોના પેટ્રોલ પંપ, માંડાવડ ખાતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે ધ્વજ વંદન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આપણે સૌ ભારતને વધુ મજબૂત, સુરક્ષિત, સલામત, અને પ્રગતિશીલ બનાવવા કટિબદ્ઘ બનીએ. ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી દેશના સપૂતોને આજે શ્રદ્ઘાસૂમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના રજવાડા એકત્ર કરવા માટે દેશના તત્કાલીન ગૃહ મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે જવાબદારી ઉપાડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની નીડરતાથી અને મક્કમતાથી દેશી રજવાડાઓને એકત્ર કરવાની કામગીરી કરી હતી. આ તકે મંત્રીશ્રીએ આરઝી સેનાનાં સેનાપતીઓની વિજયગાથા વર્ણવી હતી.  દેશના સપૂતો વીર સાવરકર, ભગતસિંહ તથા દેશના શહીદો, સ્વાતંત્ર સેનાનીઓ જેને પોતાનું સર્વસ્વ ત્યજી દઈ આઝાદીની લડત કરી શહીદ થયા, જેલ ગયા, અને દમનકારી નીતિનો સામનો કરી આપણને આઝાદી અપાવી ત્યારે આજના દિવસે શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓનું ઋણ સ્વીકારીએ.

દેશના સપૂત, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે લોકસભા અને રાજયસભામાં કાયદો પસાર કરાવી અને રાષ્ટ્રપતિની મંજૂરી થી આર્ટીકલ ૩૭૦ જે દેશના વિકાસ માટે બાધારૂપ હતી તેને નાબૂદ કરી.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરદાર સરોવર બંધ યોજના દ્વારા રાજયના ખેડૂતો, નાગરિકોને લાભ મળશે.નર્મદાની કેનાલ દ્વારા ૧૮ લાખ હેકટરમાં ખેડૂતોને લાભ મળી રહયો છે. મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રની સૌની યોજનાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે જે માટે સરકાર દ્વારા ૧૨ હજાર કરોડ ચુકવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે અછતની સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરી બે રૂપિયા પ્રતિ કિલો દ્યાસ પૂરું પાડવામાં આવ્યું છે. ખેડૂતોની ચિંતા સરકાર કરી રહી છે વડાપ્રધાનશ્રી દ્વારા દર વર્ષે ખેડૂતોને વાવણી-વાવેતર માટે ખેડૂતોની અનેક યોજના કાર્યરત છે. દરેકખાતેદારોને રૂપિયા ૬૦૦૦ ની સહાય ભારત સરકાર આપી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ યોજના હેઠળ રૂપિયા ૩૩ કરોડની માતબર રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિશુલ્ક શિક્ષણ હોય કે મેડિકલ કોલેજ ની સીટ વધારવાની ચિંતા હોય સરકારે કરી છે.

આ તકે   નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિસાવદર ધારી બાયપાસ રેલ્વે અંડરબ્રિજ માર્ગને અને બીલખા-વિસાવદર માર્ગને પહોળો બનાવવાનાં કામની તકતી અનાવરણ કરી જણાવ્યુ હતુ કે વિસાવદર શહરે માટે કાયમી ટ્રાફીકની સમસ્યાનું નિવારણ થાય તે માટે સરકાર દ્વારા ખાસ નાણાકીય ફાળવણી કરીને વિસાવદરથી ધારી માર્ગને સાંકળતા બાયપાસ કે જેમાં રેલ્વે તંત્રની પણ ભુમિકા હતી. તેનાં સંકલન સાથે આજે આ કામ સંપન્ન થતાં હવે વિસાવદર શહેરમાંથી ધારી તરફ જતા વાહનોને સીધી સરળ સુવિધા પ્રાપ્ત થઇ છે.. રેલ્વે અંડરબ્રીજનું કામ સંપન્ન થતાં બ્રીજની બન્ને સાઈડમાં એપ્રોચ રોડનું કામ સંપન્ન થતા આજ થી ધારી તરફ આવતા જતા વાહન ચાલકોને હવે વિસાવદરમાં સરળતાથી આવા-ગમન થઇ શકશે. આ જ રીતે વિસાવદરનો તમામ વ્યવહાર જૂનાગઢ સાથે સંકળાયેલ હોય બિલખા સુધીનાં માર્ગને રૂ.૨૨ કરોડનાં ખર્ચે પહોળો કરવાની આજથી કામગીરીનો પ્રારંભ થતા હવે જૂનાગઢ તરફ જવા આવવા સારા પહોળા માર્ગની સવલત હાંસલ થશે. મંત્રીશ્રી નીતીનભાઇએ રેલ્વેઅંડરબ્રીજનું લોકાર્પણ કર્યાબાદ ગાઠાણી હોસ્પીટલે પહોંચી આયુષમાન ભારત યોજનાનાં લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કર્યું હતુ. બાદમાં મંત્રીશ્રીએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલની માળખાકીય સવલત તથા દર્દીઓના ખબર અંતર પૂછયા હતા. જયાં અંતરીયાળ એવા બારવાણીયા નેશનાં માલધારીને પક્ષધાતની અસર વર્તાતા સારવાર માટે આવ્યા હતા તેમની નીતીનભાઇએ આરોગ્ય લક્ષી પૃચ્છા કરી હતી.મંત્રીશ્રીએ વિસાવદર પ્રાંત કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનની સંકલ્પના રજુ કરી હતી .બાદમાં ચાપરડા સ્થીત જય અંબે હોસ્પિટલની પણ મુલાકાત લઇ ચાંપરડા સુરેવધામ દ્વારા ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રકલ્પની પણ મંત્રીશ્રીએ મુલાકાત લઇ મુકતાનંદજી બાપુ દ્વારા ચાલતી આરોગ્ય અને શૈક્ષણિક પ્રવૃતિની સરાહના કરી હતી.

આ તકે વિસાવદર તાલુકાના વિકાસના કામો માટે રાજય સરકારશ્રી દ્વારા રૂપિયા ૨૫ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ય દિન પર મંત્રીશ્રીએ સ્વાતંત્ર સેનાની શ્રી લાભશંકર દવેનું સન્માન કર્યું હતું. આ તકે વિશિષ્ટ કામગીરી કરનારને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર કૃતિને પ્રમાણપત્ર અને શીલ્ડ આપવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઇ કરમટા, ધારાસભ્ય  દેવાભાઇ માલમ,  હર્ષેદભાઇ રીબડીયા, શ્રી બાબુભાઇ વાજા,  ભીખાભાઇ જોષી, હીરેનભાઇ સોલંકી, પુર્વ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, પુર્વ ધારાસભ્યશ્રી પોપટભાઇ રામાણી,  અરવીંદભાઇ લાડાણી, અગ્રણી  હરીભાઇ રીબડીયા, બાબુભાઇ સાવલીયા, રતીભાઇ સાવલીયા, જિલ્લા કલેકટર  ડો.સૌરભ પારદ્યી, એસ.પી સૌરભસિંઘ, ડીડીઓ પ્રવીણ ચૌધરી, નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, આસી. કલકેટર અક્ષય બુડાણીયા, પ્રાંત અધીકારી તુષાર જોષી, મામલતદાર  ગોસાઇ, સહિતના અધિકારીઓ, આગેવાનો, શહેરીજનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:18 am IST)