Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા અને રાખડીનો શ્રૃંગાર

સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધન તહેવારની પ્રથમ જ્યોતિર્લીંગમાં અનેરી ઉજવણી

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૬ :. સોમનાથ મહાદેવને રાષ્ટ્રીય પર્વ નિમિતે ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ. અમદાવાદના શિવભકત મહિપતસિંહ વાઘેલાએ જગન્નાથ-દ્વારકા-નાથદ્વાર સહિતના વાઘા તેમજ વસ્ત્રો તૈયાર કરનાર સુનિલભાઈ સોની અમદાવાદ પાસે રજવાડી પેટર્ન શેષનાગનુ છોગુ, રક્ષાબંધનની રાખડીઓ, ત્રિરંગા શૃંગારનું દર્શન, મોતીના લટકણ, આટીઓની ત્રણ દિવસની મહેનતે પાઘડી તૈયાર કરી હતી. આ ખાસ તૈયાર કરેલ પાઘડી સોમનાથને પહોંચતી કરી હતી.

જામનગરના વિક્રમસિંહ પરિવાર તરફથી તૈયાર કરવામાં આવેલ રાખડી પણ વિશેષ શૃંગારમાં ધરવામાં આવેલ. રાષ્ટ્રીય અને આધ્યાત્મિકતાના સુગમ સંગમ સાથે પૂજાચાર્ય ધનંજયભાઈ દવે અને સાથી પૂજારી વૃંદે ૫ કલાકની મહેનતે વિશેષ ત્રિરંગા શૃંગાર તૈયાર કરેલ હતો. જેના દર્શન અને આરતી બાદ ભકતો દ્વારા ભારત માતાની જય અને જય સોમનાથથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.

૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર દ્વારા ધ્વજવંદન કરેલ. આ તકે પોલીસ અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ, સોમનાથ ટ્રસ્ટના સિકયુરીટી ગાર્ડ, હોમગાર્ડ, એસ.આર.પી. સહિતના જવાનોએ સલામી આપેલ તેમજ સરદારને પૂષ્પાંજલી આપેલ અને જે.ડી. પરમાર દ્વારા સોમનાથ મંદિર અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા.

(10:18 am IST)