Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ગામડા-શહેરોનો સમતોલ વિકાસ માટે સરકાર કટીબધ્ધઃ મંત્રી જયેશ રાદડીયા

જોડિયાના કુન્ન્નડમાં જામનગર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણીઃ રમત-ગમત ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે અનેરૂ યોગદાન આપનાર નાગરિકોનું જાહેર સન્માનઃ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

જામનગર, તા.૧૬: રાષ્ટ્રના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર  જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામના વનકુટીર મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી. ધ્વજવંદનને સલામી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટરશ્રી રવિશંકર અને જિલ્લા પોલીસ વડાશ્રી શરદ સિંદ્યલે પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ  કરવા માટે કટિબધ્ધ છે. જેના ભાગરૂપે ગ્રામ્ય અને શહેરી જનતાના લાભાર્થે રાજય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીશ્રીએ રજુ કરી હતી.              

મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા લાગુ કરાયેલી વિવિધ યોજનાઓની વિગતો આપતા શહેર, જિલ્લા તથા રાજયના નાગરીકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજયના શાંત, સલામત, સોહાર્દપૂર્ણ અને સમરસ વિકાસમાં મંત્રીશ્રીએ નાગરીકોના સહકારની અપેક્ષા દોહરાવી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે તમામ નાગરિકોના સર્વાંગ વિકાસ માટે ૬૦૦ જેટલા જનહિતના નિર્ણયો લઇ ગુજરાતના વિકાસને સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા તેમજ પ્રગતિશીલતાના આધારસ્તંભો પર ચરિતાર્થ કર્યો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે જોડિયા તાલુકાના વિકાસના વિવિધ કાર્યો માટે રૂ ૨૫ લાખનો ચેક કલેકટરશ્રી રવિશંકરને મંત્રીશ્રી  જયેશભાઇ રાદડીયાના હસ્તે  અર્પણ કરવામાં આવેલ હતો.  વિશિષ્ટ સેવાઓ આપવા બદલ જિલ્લાના નાગરિકોનું સર્ટીફિકેટ, મોમેન્ટો  આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.

જોડિયા તાલુકાની વિવિધ સ્કુલોના બાળકો દ્વારા યોગ નિદર્શન, તેમજ દેશભકિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ હતા. પરેડ નિદર્શનમાં જિલ્લાના પોલીસ વિભાગ, એન.સી.સી., હોમગાર્ડ, સ્ટુડન્ટ કેડેટના જવાનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી હર્ષની લાગણી વ્યકત કરી ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશ પટેલ,  ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, પ્રોબેશનલ કલેકટર સ્નેહલબેન, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પીશ્રી સૈયદ, હોમગાર્ડ કમાન્ડન્ટ ભીંડી, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદધિકારીશ્રીઓ તથા શાળાના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશ શુકલ દ્વારા કરવામાં આવેલ હતું.

(9:52 am IST)