Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કચ્છમાં બી.પી.એલ અંત્યોદયનાં લાભાર્થીઓને ૨૦૯ કરોડની સહાયઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા

કચ્છનાં નલિયામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીઃ રાજયમંત્રીના હસ્તે ધ્વજવંદનઃ અબડાસા તાલુકાનાં વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણઃ પોલીસ પરેડઃ બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમોએ રંગ જમાવ્યો

ભુજ, તા.૧૬: કચ્છના નલીયા મુકામે આજે ૭૩માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આન-બાન-શાન સાથે અન્ન,નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન સાથે ઉમંગભેર ઉજવણી કરાઇ હતી.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે જંગલેશ્વર મેદાનમાં આયોજિત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાજયમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ બાદ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

જનમેદનીને સંબોધતાં રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પ્રાણની આહુતિ આપનારા નામી-અનામી વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને નતમસ્તક વંદન કરી યાદ કરતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી અને સરદાર સાહેબે ૫૬૨ જેટલાં દેશી રજવાડાંઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આજે ગુજરાતના બે સપુતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી  અમીતભાઈ શાહે સાત-સાત દાયકાથી સળગતાં કાશ્મીર પ્રશ્નને ૩૭૦ની કલમ રદ્દ કરીને એક ઝાંટકે હલ કર્યો. એ વિરલ ઐતહાસિક દ્યટનાના આપણે સૌ સાક્ષી બની શકયા છીએ.

રાજય સરકાર દ્વારા લેવાયેલા ૬૦૦ જેટલાં જનહિતના નિર્ણયો સાથે ખેડૂતલક્ષી, ગરીબલક્ષી અને સાગરખેડુઓની પડખે ઊભેલી સરકાર છે, તેમ જણાવી કચ્છના ૯૩૧ બીપીએલ/અંત્યોદય દાભાર્થીઓને રૂ. ૨૦૯ કરોડ, ૫૭ લાખ, ૨૭ હજારના લાભો આપવામાં આવ્યા હોવા સાથે પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા અંતર્ગત રૂ. ૧૫ કરોડની ફાળવણી ઉપરાંત માળખાકીય સુવિધાઓના પશુપાલન, હસ્તકલા,શિક્ષણ સહિતના ક્ષેત્રે થયેલ  વિકાસનો ચિતાર આપ્યો હતો. નાગરિક પૂરવઠા અને કુટીર ઉદ્યોગની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.

રાજયમંત્રીશ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં ટીમ ગુજરાતે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે-ખૂણાના વિકાસનો નવતર પથ કંડાર્યો છે.

આ પ્રસંગે અન્ન નાગરિક પૂરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને અબડાસા તાલુકાના વિકાસ માટેનો રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. વિશેષ કામગીરી અને સિધ્ધિ હાંસલ  કરનારા ૧૦૫ અધિકારી- કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતા.

પરેડ કમાન્ડર શ્રી આર.બી.ગાગલના નેતૃત્વમાં પશ્યિમ કચ્છ પોલીસ મહિલા અને પુરૂષ પ્લાટુન, પૂર્વ કચ્છ પોલીસ પુરૂષ પ્લાટુન, બોર્ડરવિંગ, હોમગાર્ડ, જીઆરડી દ્વારા પરેડ યોજાઇ હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યોગા, સ્ત્રી સશકિતકરણ, , વૃક્ષનું મહત્વ, પિરામીડ, ગ્રુપડાન્સ, દેશભકિત ગીતો પ્રસ્તુત કરાયાં હતા.

ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નવી બનેલી અબડાસા તાલુકા પંચાયત કચેરીનું રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

આજના સ્વાતંત્ર્ય પર્વ અને તાલુકા પંચાયતના લોકાર્પણ બંને કાર્યક્રમો પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ અજબાઇ ગોરડીયા, ઉપપ્રમુખ હકુમતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ ઉમરશી ભાનુશાલી, મહામંત્રી હિંમતસિંહ જાડેજા, વાડીલાલ પોકાર, જયદીપસિંહ જાડેજા, ઉષાબા જાડેજા સહિતના અગ્રણીઓ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્યિમ વિભાગના પોલીસ વડા સૌરભ તોલંબિયા, પ્રો.આઇએએસ અર્પણાબેન ગુપ્તા, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, અબડાસા પ્રાંત ડી.એ.ઝાલા,સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પંકજભાઈ ઝાલા દ્વારા કરાયું હતું.(૨૩.૭)

(9:52 am IST)