Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાનો પગપેસારો હવે ગ્રામ્ય વિસ્તારો તરફ

ઝાલાવાડ : નવા ૩૧ કેસ : કચ્છમાં સામટા ૧૪ કેસ : ભાવનગર પંથકમાં ૬૧ નવા કેસ : ગોંડલના નાના સખપર, રાજકોટના માલીયાસણ, જામજોધપુરના ગામડાઓમાં કેસ વધતા ચિંતા : ઝાલાવાડમાં વધુ ૩૧ કેસ : પહેલીવાર ૭ તાલુકામાં એકસાથે કોરોનાનો કહેરથી ફફડાટ : સુરેન્દ્રનગર શહેરમાં વધુ ૧૮ કેસ નોંધાયા : ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચુડા, લીંબડી અને સાયલામાં લોકલ સંક્રમણ વધ્યું : ઝાલાવાડમાં ૧૧૨ દિવસમાં કોરોનાના ૪૧૭ કેસ : જુલાઇના માત્ર ૧૦ જ દિવસમાં ૨૧૭ કેસ વધ્યા : કચ્છમાં કોરોના જીવલેણ બન્યોઃ જીલ્લા પંચાયતના વર્ગ-રના અધિકારી શબ્બીરભાઇ એન.કુરેશીનું વતન ડીસામાં મોતઃ એક સાથે ૧૪ પોઝીટીવ કેસથી કચ્છીમાડુઓમાં ચિંતા : ભાવનગર જીલ્લામાં ર૪ કલાકમાં ૬૧ નવા કેસ આવતા ચિંતાઃ વધુ એકનો ભોગ લેવાતા અરેરાટી

રાજકોટ, તા., ૧૬: કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારો થયો છે.

રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકાનાં સખપર, રાજકોટના માલીયાસણ, ગોંડલ, જસદણ, લોધીકા, જેતપુરમાં કોરોનાના કેસ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.

જામનગર

જામજોધપુરઃ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ શહેરમાં વધુ બે કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે જેમાં મિલન હસમુખભાઇ અલીન્દ્રન (ઉ. વર્ષ ર૯ તેમજ મદનબાબુ ગોરધનભાઇ વૈશ્નવ ઉ. વર્ષ પ૦ શેરીને કોરોના પોઝીટીવ આવેલ છે ત્યારે શહેરમાં લોકો બેધ્યાન છે સરકારી તંત્ર માત્ર ફોટા સેશન કરી પ્રસિધ્ધ કરવા પુરતું જ કામ કરતું હોવાની ચર્ચા થાય છે.

આટકોટ-જસદણ

 આટકોટ : જસદણ પંથકમાં જાણે કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ ગઇકાલે એક સાથે ૬ કોરોના કેસો આવ્યા બાદ આજે વધુ એક કેસ આવતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

આજે પણ વહેલી સવારે ભાડલાના રાજા-વડલા ગામના હરગોવિંદભાઇ હરીયાણી ઉ.વ.૪૩નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જસદણ-વિંછીયા પંથકમાં રોજે-રોજ કોરોના કેસો વધવા લાગતા તંત્રએ કડક કામગીરી કરવાની પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

પોરબંદર

 પોરબંદર, : સિવિલ હોસ્પીટલમાં કોરોનાના વધુ ર પોઝીટીવ કેસ આવતા અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૩૧ પહોંચી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ સી.એચ.સી. સેન્ટરના ૪૭ વર્ષીય નર્સ તેમજ દેગામના આરોગ્ય કાર્યકર બન્નેનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા પોરબંદર સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલુ કરાય છે.

ગઇકાલે કોરોના શંકાસ્પદના ૭૮ કેસ આવેલ જેમાં ર કેસ પોઝીટીવ રીપોર્ટ આવેલ તેમજ એક નેવી જવાનના કોરોના શંકાસ્પદ જણાતા ફરીથી રીપોર્ટ કરાવવા જામનગર મોકલેલ છે. ૭૮ શંકાસ્પદ કેસમાંથી ૭૫ કેસનો નેગેટીવ રીપોર્ટ આવેલ છે.

(3:06 pm IST)