Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભુજની ભાગોળે જમીન વેચવાના નામે રાજકોટના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી

રાજકોટના અમિત મહેશભાઇ ભટ્ટીએ મોરબીના મનીષ ઉર્ફે મન્નાભાઇ પ્રસાદ રાવત, ગીર ગઢડાના રમેશ ઉર્ફે રામ ઉન્નડ વણજર અને ભુજના ભારાપર ગામના ઇકબાલ ઇસ્માઇલ રાયમા સામે ઠગાઇની ફરિયાદ કરી

ભુજ તા. ૧૬ : ભુજની ભાગોળે આવેલા ભારાપર ગામની જમીનનો દોઢ કરોડ રૂપિયામાં સોદો કરવાના નામે બોગસ કાગળો બનાવીને રાજકોટના જમીનના ધંધાર્થી અમિત મહેશભાઈ ભટ્ટી પાસેથી રૂપિયા સાડા બાર લાખ જેટલી રકમની ઠગાઈ કરાઈ છે.

આ અંગે ફરિયાદી અમિતભાઈને જમીનના બોગસ કાગળો અંગે ખ્યાલ આવી જતાં તેઓ વધુ મોટી રકમની ઠગાઈનો ભોગ બને તે પહેલાં જ પોલીસ સ્ટેશને પહોંચી ત્રણ શખ્સો વિરુદ્ઘ ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર મોરબીના મન્નાભાઈ ઉર્ફે મનીષ પ્રસાદ રાવત, ગીર ગઢડાના રામ ઉર્ફે રમેશ ઉન્નડ વણજર અને ભારાપર ભુજના ઇકબાલ ઇસ્માઇલ રાયમાએ તેમને ભારાપર સીમના સર્વે નંબર ૯૪ પૈકીની જમીનનો સોદો તેમની સાથે દોઢ કરોડ રૂપિયામાં કર્યો હતો.

આરોપીઓએ જમીનના માલિક તરીકે શિવજી વેકરિયાના નામે ખોટો ફોટો લગાડી,ઙ્ગ ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદી અમિતભાઈને વિશ્વાસમાં લઈને અંદરોઅંદર એક સંપ કરી તેમની પાસેથી ટુકડે ટુકડે સાડા બાર લાખ રૂપિયા લીધા હતા.

દરમિયાન ભારાપરની આ જમીનની દેખરેખ કરતા શામજી હરજી હીરાણીએ જમીનના કાગળો ફોટો જોઈને મૂળ માલિક અલગ હોવાનું ફરિયાદીને કહેતાં તેમને પોતાની સાથે ઠગાઈની જાણ થઈ હતી. અંતે ફરિયાદીએ ભુજના માનકુવા ગામના પોલીસ સ્ટેશને ત્રણેય શખ્સો વિરુદ્ઘ ઠગાઈની ફરિયાદ કરતાં પીઆઈ કે.બી. વિહોલે આરોપીઓને ઝડપી પાડવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)