Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કચ્છમાં કોરોના જીવલેણ બન્યો : વધુ એકનું મોત : અધિકારીનું વતન ડીસામાં મોત : એક સામટા ૧૪ પોઝિટિવ કેસ

ભુજ તા. ૧૬ : કચ્છમાં કોરોનાની ભીંસ વધી રહી છે. ગઈકાલે કોરોનાએ લીધેલા ભોગમાં વધુ એક મોત થયું હતું. મનફરા (ભચાઉ) ના ૬૯ વર્ષીય બેચરભાઈ બચુભાઇ છેડાનું મોત નીપજયું હતું. મુંબઈથી કચ્છ આવેલા મૃતક વૃદ્ઘનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોઈ સારવાર દરમ્યાન તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને બાયપેપ પર હતા, તેમને અન્ય બીમારી પણ હતી.

જોકે, કોરોનાએ કચ્છના વર્ગ ૨ અધિકારીનો પણ ભોગ લીધો હતો. તેમનું મોત વતન ડીસામાં થયું હતું. કચ્છ જિલ્લા પંચાયતમાં વર્ગ ૨ અધિકારી તરીકે ઇન્ટરનલ ઓડિટર તરીકે ફરજ બજાવતા શબીર એમ. કુરેશીને વતન ડીસામાં કોરોના ડિટેકટ થયા બાદ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જયાં તેમનું મોત નીપજયું હતું.ઙ્ગ ઙ્ગ

કચ્છમાં સતત પોઝિટિવ કેસમાં થઈ રહેલા વધારા સાથે ગઈકાલે એક સામટા ૧૪ કેસ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨૭૭ થયો છે. કચ્છના બે મુખ્ય શહેરો ગાંધીધામ અને ભુજ બન્નેમાં ચાર ચાર કેસ નોંધાયા છે. તો, અંજારમાં એક દર્દી અને છેવાડાના ગ્રામ્ય વિસ્તાર એવા લખપત તાલુકાના દયાપરમાં બે કેસ, અબડાસા તાલુકાના બીટા ગામમાં એક કેસ, અલ્ટ્રાટેક કંપનીમાં એક કેસ,ઙ્ગ માંડવીના મોડકુબા ગામમાં એક કેસ એમ કુલ ૧૪ કેસ સાથે કચ્છમાં કોરોનાએ ફફડાટ સજર્યો છે. ભુજમા બે દિ'માં ૫ કેસ નોંધાતા લકોમાં ભયનો માહોલ છે. હવે મોટાભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના હોઈ લોકોએ સાવધાન બની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા જાગૃતિ લાવવી પડશે. કચ્છની આંકડાકીય માહિતી ઉપર એક નજર કરીએ તો કોરોનાના કુલ દર્દીઓ ૨૭૭, હોસ્પિટલમાં દાખલ ૯૪, સાજા થનારા ૧૭૧ અને ૧૩ ના મૃત્યુ નીપજી ચુકયા છે.(૨૧.૭)

(11:27 am IST)