Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મોરબીમાં સળગતા ટ્રેલર પાછળ રીક્ષા ઘુસી જતા ઇસુભાઇ ભટ્ટીનું મોત : અન્ય બેને ગંભીર ઇજા

ગતરાત્રીના બનાવ અંગે સવાર સુધી પોલીસમાં કોઇ નોંધ નથી ! ઇજાગ્રસ્ત બંને સારવારમાં

મોરબી તા. ૧૬ : મોરબી નવલખી રોડ પર ગત રાત્રીના ૯ વાગ્યાની આસપાસ ટ્રેલર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત અને બેને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા છે. આ લખાય છે ત્યારે ૧૨ કલાક બાદ સવારે ૯.૩૦ કલાકે મોરબી તાલુકા પોલીસ મથકે આ બનાવની નોંધ ન હોવાની મોરબી તાલુકા પોલીસે જણાવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ સુરેશ પેટ્રોલીયમનું ટ્રેલર કોલસો ભરી નવલખીથી મોરબી તરફ આવી રહ્યું હતું ત્યારે રાત્રીના નવ વાગ્યાની આસપાસ ટ્રેલરની કેબિનમાં કોઇ કારણસર આગ લાગતા ટ્રેલર ચાલક કુદીને નીચે ઉતરી ગયો હતો. દરમિયાનમાં ટ્રેલર પાછળ રીક્ષા ધડાકાભેર ઘુસી જતા આ અકસ્માતમાં રીક્ષામાં સ્વાર રમજુભાઇ કરીમભાઇ ભટ્ટી (ઉ.૨૫) સહિત બંને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક રીક્ષા સવાર ઇસુભાઇ કરીમભાઇ ભટ્ટી (ઉ.૩૦)નું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

બનાવના પગલે ટ્રેલરમાં આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો વિજયભાઇ ભટ્ટ, જયેશ પરમાર અને પ્રિતેશ નગવાડીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેલરની કેબીનની આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે આજ સવાર સુધી મોરબી તાલુકા પોલીસમાં આ બનાવની કોઇ જાણ નથી? (૨૧.૧૪)

(12:12 pm IST)