Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા હાય..હાય... : ‘જય રાજપુતાના' સુત્રોચ્‍ચાર

ભાવનગરમાં મનસુખ માંડવીયાની સભામાં યુવક સ્‍ટેજ ઉપર ચડી ગયોઃ કાળા વાવટા ફરકાવ્‍યા

રૂપાલા હાય..હાય... : ‘જય રાજપુતાના' સુત્રોચ્‍ચાર કરીને યુવકોએ રોષ ઠાલવ્‍યોઃ તળાજા ભાજપ અગ્રણીએ ર૦૦ કાર્યકરો સાથે રાજીનામુ ધરી દીધુ લોકસભાનાં ઉમેદવાર નીમુબેન બાંભણીયાના ઉમેદવારી ફોર્મ રજુ કરતી વખતે હોબાળો : પરસોતમભાઇ રૂપાલાના નિવેદન સામે ભભૂકતો ભારે રોષ : પોલીસ દ્વારા અટકાયત

તસ્‍વીરમાં પરસોતમભાઇ રૂપાલાના નિવેદન સામે ભાવનગરના કાળા વાવટા ફરકાવીને આક્રોષ ઠાલવતા યુવનો નજરે પડે છે. (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: ભાવનગરમાં ભાજપની સભા દરમિયાન કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા પ્રવચન કરતા હતા તે દરમિયાન પરસોતમભાઇ રૂપાલાના નિવેદન સામે આક્રોષ ઠાલવવા કાળા વાવટા સાથે રૂપાલા હાય..હાય..ના સુત્રોચ્‍ચાર કરતા ઘસી આવેલા ટોળા ને કારણે ભારે હોબાળો મચી જવા પામ્‍યો હતો. પોલીસે દેખાવકારો ની અટકાયત  કરી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર માં આજે ના લોકસભાના ઉમેદવાર  નિમુબેન  બાંભણીયા ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા જંગી જાહેરસભા યોજાઈ હતી.

સભામાં જ્‍યારે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ પ્રવચન શરૂ કર્યું તે દરમિયાન અચાનક જ કાળા વાવટા સાથે  યુવાનો  રૂપાલા હાય..હાય.. ના સૂત્રોચાર કરતા આવતા ભારે  હંગામો  મચી ગયો હતો . એક યુવાન તો સ્‍ટેજ પર પણ ચડી ગયો હતો અને જય રાજપુતાના એવું બોલ્‍યો હતો. જેથી પોલીસે તેને સ્‍ટેજ ઉપરથી ઉતારી અટકાયત કરી હતી.

ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્‍યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખભાઇ માંડવિયાની સ્‍પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્‍યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્‍યો હતો.

મનસુખભાઇ માંડવીયાની સ્‍પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્‍યું હતું.

ક્ષત્રિય યુવાનોએ સભામાં અચાનક આવી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્‍યો હતો. આ સભામાં તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્‍યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ  કાળા કપડાં પહેરીને આવીને ૨૦૦ કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્‍યું હતું.

(3:14 pm IST)