Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જૂનાગઢમાં રાજકોટના યુવકને હનીટ્રેપમાં ફસાવનાર ૨ યુવતિ, ૨ યુવકની ધરપકડ

વોટસએપ-ફોનથી મિત્રતા કેળવીને કપડા ઉતરાવીને ફોટા વાયરલ-દુષ્‍કર્મની ધમકી આપીને ૨૫ લાખ આપવા પડશે તેમ કહીને કારસ્‍તાન કર્યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: સુભાષનગર વિસ્‍તાર, જોષીપરા ખાતે ફરીયાદી સાથે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી આરોપી એક મહિલાએ ફરીયાદી સાથે ફોનથી તથા વોટસએપથી મિત્રતા કરી જુનાગઢ ખાતે ઘરે બોલાવી ફરીયાદીના કપડા કઢાવી પોતે નગ્ન થતા ફરીયાદીએ જતુ રહેવાનુ કહેતા અન્‍ય આરોપીઓ આવી જઇ મોબાઈલમાં તારા નગ્ન ફોટાઓ છે, તારા ઉપર બળાત્‍કારનો કેસ કરવાની ધમકી આપી આરોપીઓ દ્વારા પૈસાથી સમાધાન કરાવી લેવાનુ જણાવી અને પચ્‍ચીસ લાખ આપવા પડશે તેમ જણાવી ચોપડામાં ફરીયાદીના હાથે લખાણ કરાવી સાત લાખ સોમવારે આપવા પડશે નહીતર પતાવી દઈશે તેવી ધમકી આપી ફરીયાદીના હાથમાં પહેરેલ સોનાની વીટી સાડા છ ગ્રામની કિ.રૂા..૪૦,૦૦૦/- તથા અસલ આધારકાર્ડ તથા અસલ ડ્રાઈવીંગ લાયસન્‍સ બળજબરી કઢાવી લીધા હતા.

ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્‍યાને લઇ જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ હનીટ્રેપના ગુન્‍હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્‍કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી.

જે ઉપરોક્‍ત સુચના અને ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ, જૂનાગઢ એસ.ઓ.જી ના પોલીસ ઇન્‍સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્‍સ. એસ.એ.સોલંકી, તથા સ્‍ટાફની જુદી જુદી ટીમો દ્વારા તાત્‍કાલિક તપાસ હાથ ધરી, અલગ અલગ ટીમો બનાવી આ ટીમો દ્વારા બનાવ સ્‍થળ આજુબાજુના સીસીટીવી ફુટેઝ, ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તથા ફરીયાદમાં જણાવેલ બાઈકના રજીસ્‍ટ્રેશન નંબર ઉપરથી આરોપી શોધી કાઢવા માટેના પ્રયત્‍નો હાથ ધરેલ હતા, તે દરમ્‍યાન આરોપીઓએ જે રૂપીયાની માંગણી કરેલ તે હનીટ્રેપના રૂપીયા જૂનાગઢ, ધોરાજી ચોકડીથી ઝાંઝરડા ચોકડીની વચ્‍ચે આવેલ હીંગળાજ હોટેલથી આગળના ભાગે લેવા આવનાના છે, તેવી હકીકતના આધારે એસ.ઓ.જી ટીમ વોંચમાં રહેલ અને બાતમીદારો તથા ફરીયાદીના જણાવ્‍યા મુજબના બે આરોપીઓને એક મો.સા. રજી.નં.જીજે-૦૩-એમડી-૭૯૯૯ સાથે પકડી પાડી અને એસ.ઓ.જી ઓફીસ ખાતે લઈ આવી પુછપરછ કરતા સદર બનાવમાં બીજી મહીલાઓ પણ આ હનીટ્રેપમાં સામેલ હોય અને તેમાની મહીલાઓને જૂનાગઢ જોષીપરા, ખાતે તપાસ કરતા મળી આવેલ હોય જેથી તેઓ ચારેયને યુક્‍તી-પ્રયુક્‍તીથી પુછપરછ કરતા તેઓ બધાએ સાથે મળીને ઉપરોક્‍ત ગુનાને અંજામ આપેલ હોય એસ.ઓ.જી દ્રારા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી જુનાગઢ શહેર બીડીવી. પો.સ્‍ટે.ને સોપેલ છે.

 પોલીસે હીનાકાનજીભાઈ નારણભાઈ વાઢેર, ઉવ.રપ ધંધો.બ્‍યુટી પાર્લર રહે.જૂનાગઢ, ઝાંઝારડા, ચોબારી ફાટક પાસે, ચાંદ ટાવરની બાજુમાં,  નિયોજીત નરસિંહભાઈ કુંમ્‍મર, ઉવ.૩૩, રહે.રાજકોટ, કાંગશીયાળી ગામ-કલ્‍પવન રેસીડન્‍સ બ્‍લોક નંબર ર૦૭, ધરમશીભાઈ રહે.ગોંડલ વાળાના મકાનમાં ભાડેથી મુળ રહે.ખીરસરા ઘેડ તા.કેશોદ જી.જૂનાગઢ, રાહુલ સુરેશભાઇ પરમાર, ઉ.વ.૨૮, ધંધો.વાહન લે-વેચ, રહે.હાલ કલ્‍પવન સોસાયટી, આસ્‍થા ગ્રીનસીટી, બ્‍લોક નંબર ર૦૭, રાજકોટ.મુળ રહે.ગરનાળા, તા.ગોંડલ, જી.રાજકોટ,  હિના રમેશભાઇ કનુભાઇ વિરડીયા, ઉ.વ.-૪૦, ધંધો-ઘરકામ, રહે.ખલીલપુરરોડ, સુભાષનગર, શુભેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, શેરી નં.૧, જોષીપરા, જૂનાગઢની ધરપકડ કરી છે.

આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી મહિલા દ્વારા કોઇપણ પુરૂષને પોતાની મોહજાળમાં ફસાવી ત્‍યારબાદ સાથેના ઇસમો ખોટા નામ ધારણ કરી ભોગબનનાર પાસેથી પૈસા પડાવવાનૂ કામ કરે છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ. પી.કે.ચાવડા, પો.સબ.ઇન્‍સ. એસ.એ.સોલંકી, એ.એસ.આઇ. જીતેન્‍દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી, એમ.વી.કુવાડીયા, પો.હેંડ કોન્‍સ. રમેશભાઇ માલમ, અનિરૂધ્‍ધભાઇ વાંક, રવીભાઇ ખેર, પ્રતાપભાઇ શેખવા, જયેશભાઇ બકોત્રા, પરેશભાઇ ચાવડા તથા પો.કોન્‍સ. રોહીતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, બાલુભાઇ બાલસ, વિશાલભાઇ ડાંગર વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:34 pm IST)