Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જુનાગઢ સિવિલ હોસ્‍પિટલના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડો. કેતન પરમારે એક વર્ષમાં ૧૧૦૦ સફળ ઓપરેશન કર્યા

જૂનાગઢ, તા. ૧૬ : સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડો.કેતન પરમાર દ્વારા એક વર્ષમાં ૧૧૦૦થી વધુ દર્દીઓના હાડકાના ઓપરેશન કરીને ઇતિહાસ રચ્‍યો છે.

જો કે તેમની સિદ્ધિ એ છે કે; તેઓ થાપાના હાડકાંના ઓપરેશન દર્દીને એનેસ્‍થેસિયા આપ્‍યા વિના ગણતરીની મિનીટમાં કરે છે.

ડો. કેતન પરમાર ઓર્થોપેડિક વિભાગમાં અશકય અથવા તો ખુબ જ કપરા ગણાય તેવા ઓપરેશન પણ એનેસ્‍થેસિયા વગર કરીને તેઓ એક રિસર્ચ પેપર તૈયાર કરી રહ્યા છે.

આ વિશે તેઓ જણાવે છે કે; તેઓને સિવિલ હોસ્‍પિટલમાં તેઓના સિનિયર એવા સુપ્રિન્‍ટૅડન્‍ટ ડો.કળતાર્થ બ્રહ્મભટ, ઓર્થોપેડિક વિભાગના ડો.હિમાંશુ લાડણી, ડો. પાલા લાખણોત્રા દ્વારા એવું મોટિવેશન મળે છે કે, દર્દીઓને રાજકોટ કે અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડવા ન પડે એ રીતે સારવાર આપવી!

 પરિણામે, ગંભીર બીમારી ધરાવતા હોય તેવા દર્દીઓને પણ અહીં વિનામૂલ્‍યે શ્રેષ્ઠ સારવાર મળે છે.

કારણકે, અમુક ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને એનેસ્‍થેસિયા આપવામાં આવે ત્‍યારે મુશ્‍કેલી વધી જવાની સંભાવના હોય છે; એવા દર્દીઓમાં લોક એનેસ્‍થેસિયા આપીને ઓપરેશન થાય છે!  આ સિદ્ધિથી આજે તેઓએ એક અલગ જ ઓળખાણ ઊભી કરી છે. (૯.ર૦)

 

જૂનાગઢ વાઘેશ્વરી મંદિરના વૃધ્‍ધ સેવાર્થીને અવાર નવાર પોલીસ ફરિયાદ શું કામ કરે છે કહી ધમકી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: જૂનાગઢના એક વૃદ્ધને બે શખ્‍સે અવાર નવાર પોલીસ ફરિયાદ શું કામ કરે છે તેમ કહી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ શહેરમાં છાયા બજાર નાગર રોડ હેઠાણ ફળિયા પાસે આવેલ પરિમલ એપાર્ટમેન્‍ટમાં રહેતા કોન્‍ટ્રાક્‍ટર નરેન્‍દ્રભાઈ જમનાદાસ રાજપરા ઉ. વ. ૬૭ ભવનાથ પાસે આવેલ પૌરાણિક વાઘેશ્વરી મંદિરે અવાર નવાર જઇ નાના મોટા કામકાજ અને સેવા પૂજા કરે છે.

મંદિરની આગળના ભાગે મંદિરની જગ્‍યામાં છેલ્લા ઘણા સમયથી પારસ પૂરી નામનો સાધુ, ગેરકાયદેસર રીતે કબજો કરી બેસતો હોય અને બીજા માણસોને ભેગા કરી ગેરવર્તન કરતો હોય અને દર્શનાર્થીઓને પરેશાન કરતો હોય તેથી થોડા સમય અગાઉ પારસપુરીને મંદિરના ટ્રસ્‍ટીઓએ ત્‍યાંથી ભગાડી મૂક્‍યો હતો.

૧૪ એપ્રિલના રોજ રાત્રિના નરેન્‍દ્રભાઈ વાઘેશ્વરી મંદિરે દર્શન કરી તેમના ઘરે જવા નીકળ્‍યા હતા તે દરમિયાન મંદિરની બહાર નીકળતા રોડ ઉપર પારસપુરી અને છગનમામાની સોસાયટીમાં રહેતો રમેશ ભોંય નામના શખ્‍સે આ મંદિર તારા બાપનું છે અહીં તું રોજ રોજ શું કામ આવે છે અને તું અવારનવાર પોલીસને ફોન કરી અમારા વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી અને પોલીસને બોલાવે છે આ નવરાત્રી જવા દે તેમ કહી બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નરેન્‍દ્રભાઈ રાજપરાએ કરતા ભવનાથ પોલીસે પારસપુરી અને રમેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:30 pm IST)