Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સોલાપુરની શીંગદાણાની પાર્ટી ઉઠી જતા કેશોદના આશરે છએક કરોડ ફસાયા

સૌરાષ્‍ટ્રના જુદા જુદા સેન્‍ટરોના વેપારીઓ વચ્‍ચે સતત પૂછપરછ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૬: મહારાષ્‍ટ્રના સોલાપુર ખાતે શીંગદાણાનો ધંધો કરતી એક પાર્ટી ઉઠી જતા આ વિસ્‍તારના વિવિધ વ્‍યાપારીઓના આશરે છએક કરોડ રૂપીયા ફસાણા છે. કેશોદના સાથે અન્‍ય સેન્‍ટરના વ્‍યાપારીઓના પણ રૂપીયા ફસાણા છે. તેના સીધા પરીણામરૂપે અત્‍યારે શીંગદાણાના વ્‍યાપારીઓ વચ્‍ચેની ચર્ચામાં આ મુદ્દો જ કેન્‍દ્ર સ્‍થાને રહે છે. તેમ સંબંધકર્તાઓ જણાવે છે.

કેશોદને આ વાત સાથે લાગેવળગે છે ત્‍યાં સુધી શીંગદાણા બનાવતા આશરેબસો જેટલા નાના-મોટા યુનીટો ચાલે છે. જેમાં કેટલાક તો વરસોથી આ ધંધા સાથે સંકળાયેલા છે. અને દર વરસે કરોડો રૂપીયાના શીંગદાણા દેશના અલગ અલગ રાજયોમાં અને વિદેશોમાં પણ મોકલે છે. તેના સીધા પરીણામ રૂપે કેશોદ શીંગદાણાના ધંધા માટે સૌરાષ્‍ટ્રનું એક અગત્‍યનું સેન્‍ટર બની ગયેલું છે. અને આ સેન્‍ટરના ભાગરૂપે મહારાષ્‍ટ્રમાં સોલપુર ખાતે અહીંથી શીંગદાણાની ધોમ નિકાસ થતી અને તેમાં વ્‍યાપારી તેમજ દલાલ વર્તુળોના જણાવ્‍યા મુજબ વરસોથી શીંગદાણાનો ધંધો કરતી એક પેઢીની ઉઠાંતરી થતા વીસેક કરોડ રૂપીયા વિવિધ સેન્‍ટરોના વ્‍યાપારીઓના ફસાયા છે. જેમાં કેશોદ વિસ્‍તારના વ્‍યાપારીઓના છએક કરોડ રૂપીયા ફસાણા છે. સોલાપુરની આ પાર્ટી શીંગદાણા મોટાભાગે જુનાગઢ જીલ્લામાંથી વધારે પ્રમાણમાં માલ મંગાવતી અને જે રકમ ફસાણી છે તેમાં મોટા ભાગની કેશોદ અને જુનાગઢની જ છે તેમ જણાવાય છે. પરંતુ કોઇ મ્‍હો ખોલતુ નથી.

દલાલ સુત્રોના જણાવ્‍યા મુજબ જે વ્‍યાપારીઓની રકમ ફસાણી છે તેમાં આ ધંધામાં નવા આવેલા વ્‍યાપારીઓની વિશેષ છે. ધંધો કરી લેવાની લાલચે માલ આપતા રહયા અને ફસાઇ ગયા છે. કેશોદમાં અત્‍યારે આવા આશરે ૨૦૦ યુનીટો કામ કરે છે તેમ અન્‍ય સેન્‍ટરોમાં પણ આટલા જ યુનીટો કામ કરે છે જેથી માલ ખરીદનાર પાર્ટીને ભારે અનુકુળતા રહે છે. પહેલા એક અઠવાડીયાની શરતે માલ ખરીદે છે. પછી બે અઠવાડીયા કરે છે. પછી ત્રણ અઠવાડીયા કરે છે. પછી ચાર અઠવાડીયા કરે છે અને આમ પેમેન્‍ટની શરત વધારતા જાય છે અને છેલ્લે નવરાવી નાખે છે. આ પધ્‍ધતીથી આવા બાયરોને જોઇએ તેટલો માલ મળી પણ રહે છે. અત્‍યારે આવા વ્‍યાપારીઓ અને દલાલો વચ્‍ચે ચર્ચા દરમિયાન કોના કેટલા રૂપીયા ફસાણા, કોણ રૂબરૂ ગયુ, કોના કેટલા રૂપીયા આવ્‍યા ?  આ ચર્ચા જ વધારે થતી હોય છે.

આ ધંધામાં જે લોકો વરસોથી જામેલા અને અનુભવી છે તેને તો બહુ વાંધો આવે તેમ નથી. પરંતુ જે નવા આવેલા છે અને જે પોતાની માલીકીના નહિ પરંતુ ભાડે રાખેલા યુનીટમાં ધંધો કરે છે માઠી બેસી ગઇ છે. આ ધંધો શરૂ કરવામાં શીંગદાણાની કિંમત ઉંચી હોવાના કારણે બે-ત્રણ કરોડ રૂપીયાનું તો કાંઇ આવતુ નથી. ઓછામાં ઓછા પાંચેક કરોડ રૂપીયા રોકડા હોય ત્‍યારે થોડો મેળ પડે છ. આમા કોઇ પાસે ઘરની મુડી ના હોય તો વ્‍યાજે લઇ અને આ ધંધો કરે છે અને તેમાં આવુ થતા આવા નવા નિશાળીયાઓની લોખંડના પાયે પનોતી બેસી જાય છે. આ ધંધામાં બે નંબરનો વહીવટ પણ મોટો હોય છે. જેથી ફરીયાદ પણ થઇ શકતી નથી. શીંગદાણાના ધંધામાં દેખાય છે તેટલુ ઉજળુ નથી.  કેશોદની બજારમાં અત્‍યારે ઉપરોકત હકિકત કરન્‍ટ ટોપીક છે. જેથી બજારમાં પણ થોડુ ગભરાટનું વાતાવરણ જણાય છે. સૌ પુરતી તપાસ કરી અને સોદા કરે છે.

(11:56 am IST)