Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બાર કાઉન્‍સીલનાં સભ્‍યોને ૭૦ વર્ષની ઉંમર પછી સહાય ચુકવોઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૧પઃ જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત-અમદાવાદ મારફત એડવોકેટનું અવસાન થયા પછી ચૂકવવામાં આવતી સહાય રૂા. ૪ લાખને બદલે ૪ાા લાખ કરવામાં આવેલ છે તેમજ સારવારના બીલની રકમમાં વધારો કરેલ છે તે બદલ બાર કાઉન્‍સીલ ગુજરાતના ચેરમેન તથા કમીટીના તમામ સભ્‍યોને અભિનંદન પાઠવું છું.

હાલ કાઉન્‍સીલના સભ્‍યોના અવસાન પછી વેલફેર ફંડની રકમ ચુકવવાની જોગવાઇ છે. સરકારી નોકરીમાંથી નિવૃત થયા પછી સભ્‍ય બન્‍યા હોય તે સિવાયના એડવોકેટોની ૭૦ વરસની વય થયા પછી પ્રેકટીસ કરી શકે તેવી સ્‍થિતિમાં ન હોય તથા અન્‍ય કોઇ આવકના સાધનોના અભાવે આજીવિકા માટે મુશ્‍કેલી ભોગવતા હોય સંજોગોમાં સ્‍પે. કેસ તરીકે તેઓની રજુઆતને ધ્‍યાને લઇ ૭૦ વરસ પછી દર વરસે અંદાજીત ૯૦ હજારની રકમ ચુકવવાની અથવા વ્‍યવસ્‍થાને ધ્‍યાને લઇ અમુક રકમ વરસના ૩ થી ૪ હપ્‍તામાં ચૂકવવાની જોગવાઇ કરવી જોઇએ.

અવસાન થયા પછી આ રકમ તેના વારસદારોને ચૂકવવામાં આવે છે તેના બદલે ખછલી જીંદગીમાં ઓશીયાળ જીવન જીવવું ન પડે તેમ જ બાકીના જીવતરના દિવસો-સ્‍વમાનભેર પસાર કરી શકે તે માટે તથા સારવારના બીલ અંગે પણ સહાનુભૂતી પૂર્વક ફેર વિચારણા કરી યોગ્‍ય નિર્ણય લેવા માટે ચેરમેનશ્રીને લેખિત રજુઆત કરવામાં આવેલ છે. તેમ ભીખાભાઇ બાંભણીયાએ અંતમાં જણાવ્‍યું છે.

(11:25 am IST)