Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કચ્છની મુખ્ય કોવીડ હોસ્પિટલમાં એક દિ'માં ૨૫ મોતની ચર્ચા વચ્ચે અગ્નિદાહ માટે લાઇન : અંતિમવિધિ કરવા આરએસએસ મદદે

ભુજના સ્મશાનમાં બે ગેસની ભઠ્ઠી સાથે લાકડાની ચિતાઓ સળગાવવી પડી : ચોબારી ગામે ૮ દિ'માં ૧૦ મોત : સરકારી ચોપડે ૮૧ કેસ, વધુ ૩ મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ચુંટણી દરમ્યાન કચ્છમાં અડીખમ ગુજરાતના ગાજતા નારા શાંત પડયા અને હવે કોરોનાએ કચ્છને ફફડાવી દીધું છે. તેમાંયે છેલ્લા વીસ દિવસમાં તો કોરોના ની આ બીજી લહેરે રીતસર સપાટો બોલાવી સારવાર માટે સરકારની સજજતાની પોલ ખોલી નાખી છે.

ગત વર્ષે કોરોના વચ્ચે લોકડાઉન કરાયા બાદ સરકારે કરેલી તૈયારીઓનો કોરોનાના બીજા વર્ષે લોકોને અહેસાસ થતો નથી. અરે, ટેસ્ટિંગ રિપોર્ટ સમયસર મળતાં નથી. રેપિડ કીટ નથી. તો, હોસ્પિટલોમાં બેડ, ઓકસીજન, વેન્ટિલેટર ની અછત છે. સ્મશાનમાં વેઇટિંગ લીસ્ટ છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવી જ કચ્છની હાલત છે. સરકારી ચોપડે ડેથ ઓડિટ ના નામે કોરોનાંથી દર્શાવાતા મૃત્યુ આંક સામે સવાલો છે. પોઝિટિવ દર્દીઓના આંકડા છુપાવાઇ રહ્યા છે. ભુજમાં સરકારી ચોપડે ગઇકાલે રાત સુધીમાં ૩ મોત અને ૮૧ નવા કેસ દર્શાવાયા છે

. જે રાજય સરકારની યાદીમાં માત્ર ૮૧ કેસ જ દર્શાવાયા છે, ૩ મોતની વિગતો નથી. જોકે, કચ્છ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ માં જ એક દિવસમાં ૨૫ મોત થયાની ચર્ચા છે. મૃતક દર્દી ના પરિવારને અંતિમવિધિ માટે પાંચ થી છ કલાક તો એથીયે વધુ રાહ જોવી પડે છે. ભુજના સ્મશાનમાં બે ગેસની ભઠ્ઠીમાં અપાતાં અગ્નિદાહ વચ્ચે લાકડાની ચિતા સળગાવી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. આ માટે આરએસએસ ના સ્વયંસેવકોની મદદ લેવાઇ છે.

ભુજના સ્મશાનગૃહ મધ્યે આરએસએસના સ્વયંસેવકો દ્વારા અંતિમવિધિ કરાઈ હતી. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની બૂમરાણ છે. ભચાઉના જંગી ગામ પછી હવે ચોબારી ગામે ૮ દિવસમાં ૧૦ મોત થયાના સમાચાર છે. સતત એક પછી એક ગામ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. એ હકીકત કોરોનાનો ખોફ દર્શાવે છે. જોકે, સરકાર સ્થાનિક તંત્ર અને પદાધિકારીઓ સાથે મિટિંગ માં વ્યસ્ત છે. પણ, સરકારની ચર્ચા અને જાહેરાતો લોકો સુધી પહોંચાડવામાં તંત્ર, અધિકારીઓ અને પદાધિકારીઓ વ્યસ્ત બને તે જરૂરી છે.

(11:13 am IST)