Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રાત્રે ભાવનગર - ગારીયાધાર - બોટાદમાં ઝાપટા : સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઠંડીનો ચમકારો

આજે સવારથી સર્વત્ર ધુપછાંવ : બપોરે ગરમીનો અહેસાસ : મિશ્ર ઋતુ યથાવત

આટકોટમાં ઝાપટુ પડયું : રાજકોટ : આટકોટ પંથકમાં કાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢી માહોલ સર્જાયો હતો. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર વરસાદે ઝાપટુ વરસ્‍યું હતું. રોડ-રસ્‍તા ભીના થઇ ગયા હતા. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો હતો. (તસ્‍વીર - અહેવાલ : કરશન બામટા - આટકોટ)

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા છે અને જુદી-જુદી જગ્‍યાએ ઝાપટા વરસ્‍યા હતા. કાલે રાત્રીના ભાવનગર, ગારીયાધાર, બોટાદમાં ઝાપટા વરસ્‍યા હતા અને વહેલી સવારે સર્વત્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

બોટાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો. ભરઉનાળે માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે. બનાસકાંઠાના થરાદમાં રેફરલ ત્રણ રસ્‍તા પાસે ભારે પવનથી ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલ મંડપનો ગેટ ધરાશાયી થયો હતો. સદ્‌ભાગ્‍યે જાનહાની ટળી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર - જિલ્લામાં ગઇરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. જોકે આજે સવારથી જ તડકો નીકળ્‍યો છે.

ગોહિલવાડ પંથકમાાં હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે. ગઇ રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા - ભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં ૩ મી.મી. અને ગારીયાધારમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ભાવનગર શહેરમાં અનેક વિસ્‍તારોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી.

દરમિયાન આજે ગુરૂવારે સવાર જ શહેરમાં તડકો નીકળ્‍યો છે. જોકે ભાવનગર શહેર અને ગ્રામ્‍ય પંથકમાં લગભગ સાંજે જ માવઠું થાય છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : કાલે સવારથી સાંજ સુધી ધાબળ જેવું સૂર્ય પ્રકાશ વગરનું વાતાવરણ તથા આકાશમાં મેઘાડંબર છવાયો હતો.

સવારે ખંભાળીયામાં ઝાપટુ પડયું હતું તો તાલુકાના અનેક ગામોમાં દિવસ દરમિયાન ઝાપટા છાંટા પડયા હતા.

કમોસમી વરસાદ અને છાંટા અને હજુ વરસાદની આગાહીની ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. હાલ અનેક ખેડૂતોમાં ઘઉંનો પાક તૈયારીમાં હોય છોટા વરસાદથી નુકસાન થવા સંભાવના છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : આજે સવારે જૂનાગઢ સહિત સોરઠમાં સામાન્‍ય વાતાવરણ રહ્યું હતું.

સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૧.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્‍યારે ગિરનાર ઉપર ૧૬.૨ ડિગ્રી રહ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજ ૪૮ ટકા રહ્યો હતો અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૨ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૦, મહત્તમ તાપમાન ૩૦.૫, ભેજનું પ્રમાણ ૯૬ ટકા, પવનની ગતિ ૪ કિ.મી. રહી હતી.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) ભારતીય હવામાન વિભાગની એક આગાહી છે તે મુજબ, તા.૧૫ માર્ચ, ૨૦૨૩ થી આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી ગ્રામ્‍ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓને તેમના હેડ કવાર્ટર પર હાજર રહેવા જણાવવામાં આવ્‍યું છે. જિલ્લામાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે અને વીજ કરન્‍ટ લાગવાની ઘટના ન બને તેની તકેદારી રાખવી. પવન આવતા ઝાડ પડે ત્‍યારે રસ્‍તા પર ટ્રાફિક ન થાય અને વાહન વ્‍યવહાર ખોરવાઈ નહિ તે તકેદારી માટે વન વિભાગની ટીમ દ્વારા પડી ગયેલ તે ઝાડને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડી દેવા તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્ર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી  : ૧૬ અને ૧૯ માર્ચના રોજ સંભવિત કમોસમી વરસાદને ધ્‍યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૧૬/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્‍થળોએ હળવા થી મધ્‍યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : હવામાન વિભાગ દ્વારા તા.૧૫. થી તા.૧૯ માર્ચ દરમિયાન  જૂનાગઢ જિલ્લા સહિતના અન્‍ય વિસ્‍તારમાં પવન સાથે કમોસમી માવઠું થવાની આગાહી   કરવામાં આવી છે. હ

હવામાન વિભાગ દ્વારા મધ્‍ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા અને દાહોદ ઉતર ગુજરાતના જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા, સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા સુરત, વલસાડ, તાપી, ડાંગ, નર્મદાઅનેનવસારી જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર અને કચ્‍છ વિસ્‍તારના કચ્‍છ, ભાવનગર, જૂનાગઢ,અમરેલી અનેગીર સોમનાથ જિલ્લાઓમાંᅠપવન સાથે કમોસમી માવઠું, છુટાછવાયા, સામાન્‍યવરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજયના ખેડુતોને સંદેશઆપવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્‍તારના ગ્રામસેવક,વિસ્‍તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક (તા.મુ.),જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ),KVK અથવા કિસાન કોલસેન્‍ટર ટોલફ્રીનંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : હવામાન ખાતાની આગાહી મુજબ સુરેન્‍દ્રનગર જીલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હોવાથી એક જ દિવસમાં તાપમાનનો પારો ૮ ડીગ્રી ગગડીને ૩૧.૩ નોંધાયો હતો. આખો દિવસ ઘેરાયેલા વાદળો વચ્‍ચે સુરેન્‍દ્રનગર, થાનગઢ, લખતર પંથકમાં છાંટા પડયા હતાં.

આ અંગેની વધુ વિગત એવી છે કે, હવામાન ખાતાની માવઠાની આગાહી મુજબ સુરેન્‍દ્રનગર પંથકમાં મંગળવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભરઉનાળે વરસાદી વાતાવરણ જોવા મળ્‍યું હતું. સુરેન્‍દ્રનગર, લખતર, થાનગઢ પંથકમાં સામાન્‍ય હળવા છાંટા પડયા હતા. તેજ પવન સાથે અને મીની વાવાઝોડા જેવી પવનની ગતિ જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો જોવા મળ્‍યો હતો અને એક જ દિવસમાં ૮.૧ ડીગ્રી તાપમાન ઘટી ગયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન ૩૯.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે ગઈકાલે વાદળછાયા વાતાવરણને કારણે ૩૧.૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. વાદળછાયું વાતાવરણ, છાંટા અને માવઠાની આગાહીને કારણે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ છે.

(12:21 pm IST)