Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

જસદણને લાંબા સમય બાદ કાયમી ચિફ ઓફીસર

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા., ૧૬: જસદણ નગર પાલીકામાં લાંબા સમયથી ઇન્‍ચાર્જ ચીફ ઓફીસરથી ગાડુ ગબડતુ હતું પણ સરકારે કાયમી ધોરણે ચીફ ઓફીસરની આખરે નિમણુંક કરતા પ્રજાજનોમાં હવે એક નવી આશાનો સંચાર થયો છે. હાલ તો જસદણ નગર પાલીકામાં ભાજપની બોડીની પાંચ વર્ષની સમય મર્યાદા પુર્ણ થતા વહીવટદારનું શાસન છે એમાંય ઘણા સમયથી ચીફ ઓફીસર ઇન્‍ચાર્જ હોય તેથી અમુક કાર્યો થઇ શકતા નહોતા ત્‍યારે સરકારે ખેડા જીલ્લાના કણજરી નગર પાલીકામાં ફરજ બજાવતા રાજુભાઇ શેખને જસદણ નગરપાલીકામાં ચીફ ઓફીસર તરીકે નિમણુંક કરતા જસદણના આગેવાનો અશોકભાઇ ધાધલ, અલ્‍પેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ હીરપરા, વિજયભાઇ રાઠોડ, ઇમરાનભાઇ ખીમાણી, અશોકભાઇ મહેતા, હસુભાઇ ગાંધી સહીતના આગેવાનોએ આવકારીને જણાવ્‍યું કે નવા ચીફ ઓફીસર પાસેથી નાગરીકોને ઘણી આશા છે તે આવનારા સમયમાં પુર્ણ કરે તે આજના સમયની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલીકામાં અગાઉ એક ચીફ ઓફીસરની જસદણ નિમણુંક કરવામાં આવી હતી પણ ગેરરીતીના મામલે તેઓ જસદણ પાલીકામાં ચાર્જ સંભાળે તે  પુર્વે ડીસમીસ થઇ ગયા હતા.

(11:51 am IST)