Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કોડીનાર નાગરિક બેંક દ્વારા થયેલ દાવાને રદ કરવા મહત્‍વનો ચૂકાદો

રાજકોટ તા. ૧૬ :.. કોડીનાર નાગરીક બેન્‍ક, કોડીનારએ વિનોદરાઇ વિઠ્ઠલદાસ ગટેચા તથા અન્‍ય આસામી તથા રાજકોટના રંજનબેન ઠાકરશીભાઇ લીંબાસીયા વિરૂધ્‍ધ રંજનબેન ઠાકરશીભાઇના જોગનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવા વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમ મળવા દાવો દાખલ કરવામાં આવેલ હતો. જેને કોર્ટે રદ કર્યો હતો.

વાદી કોડીનાર નાગરીક બેન્‍ક પાસેથી વિનોદરાઇ વિઠ્ઠલદાસએ લોન મેળવલી અને રાજકોટના રતનપરનો પ્‍લોટ તે લોન અન્‍વયે ગીરો કરેલો અને બેન્‍કના જોગનો મોર્ગેજ દસ્‍તાવેજ કરી આપેલ ત્‍યારબાદ વિનોદભાઇએ લોન ભરપાઇ નહી કરતા કોડીનાર બેન્‍કએ લવાદ કોર્ટમાં કેસ દાખલ કરી હુકમનામું મેળવેલ. ત્‍યારબાદ કોડીનાર નાગરીક બેન્‍કને ખ્‍યાલ આવેલ કે, વિનોદભાઇએ બેન્‍કમાં રતનપર વાળો પ્‍લોટ મોર્ગેજ કરેલ હોવા છતાં રંજનબેન ઠાકરશીભાઇને વેચાણ દસ્‍તાવેજ કરી વેચાણ આપી દીધેલ છે. તેથી વાદી કોડીનાર બેન્‍કનાએ રંજનબેન ઠાકરશીભાઇનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવા દાવો કરેલ હતો.

ઉપરોકત કેસમાં રંજનબેન ઠાકરશીભાઇ ના વકીલે રજૂઆત કરેલ કે, રંજનબેન ઠાકરશીભાઇ લવાદ કેસમાં પક્ષકાર હતા નહી. આ કામના વાદી કોડીનાર બેન્‍કનાએ મોર્ગેજ કરેલ છે પરંતુ વિનોદભાઇના અસલ દસ્‍તાવેજો કબ્‍જે લીધેલ નથી. રંજનબેન ઠાકરશીભાઇએ રેવન્‍યુ રેકર્ડ તથા સબ રજીસ્‍ટ્રારમાંથી તપાસ કરેલ અને કોઇ તકરાર ન હોય તે તપાસ કરી મિલકત ખરીદ કરેલ હોય તેઓ શુધ્‍ધ-બુધ્‍ધિના ખરીદનાર છે. તેવી રજૂઆત કરી પ્રતિવાદીના વકીલશ્રીએ જૂદી-જૂદી વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરેલ. ઉપરોકત પ્રતિવાદીના વકીલશ્રીની દલીલને ધ્‍યાને લઇ રાજકોટના એડી. સીનીયર સિવિલ જજ રંજનબેન ઠાકરશીભાઇ દાવાવાળા પ્‍લોટના શુધ્‍ધ-બુધ્‍ધિના ખરીદનાર હોવાનું માની વાદી કોડીનાર નાગરીક બેન્‍કનો દાવો રદ કરી પ્રતિવાદી રંજનબેન ઠાકરશીભાઇનો કાઉન્‍ટર કલેઇમ મંજૂર કરી વાદી કોડીનાર નાગરીક બેન્‍કનાએ રંજનબેન ઠાકરશીભાઇનો પ્‍લોટ અંગે એટેચમેન્‍ટની કે વેચાણની કોઇ કાર્યવાહી કરવી નહી તેવો રંજનબેન ઠાકરશીભાઇની તરફેણમાં મહત્‍વ પૂર્ણ ચુકાદો આપેલ છે.

ઉપરોકત કામમાં પ્રતિવાદી રંજનબેન ઠાકરશીભાઇ વતી રાજકોટના વિદ્વાન ધારાશાષાી શ્રી મનોજ એન. ભટ્ટ, આનંદ કે. પઢીયાર, યશ ઠાકર જૂનીયર રોકાયેલ છે.

(11:36 am IST)