Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ઉનામાં સરકારી હોસ્પીટલમાં ડોકટરોની ખાલી જગ્યા ભરવાની માગણી સાથે ઉપવાસ આંદોલન

ઉના, તા. ૧૬ :. ઉના-ગીરગઢડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા વર્ષોથી નિષ્ણાંત ડોકટરો તથા મેડીકલ ઓફિસરની જગ્યા ભરવા બાબતે આજથી ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે.

ઉના-ગીરગઢડા તાલુકાની ૩ લાખથી વધુ જનતાને આરોગ્ય સેવા માટે સરકારે કરોડોના ખર્ચે અદ્યતન સાધનોની સુવિધાવાળુ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવેલ છે. તેમા ઘણા વર્ષોથી નિષ્ણાંત ડોકટરો, સર્જન, ઓર્થોપેડીક, બાળરોગ, સ્ત્રીરોગ, આંખના સર્જન ડોકટરો, કલાસ-૧ અને કલાસ-૨ના મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે. ૧૫ દિવસ પહેલા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખીતમાં ૧૫ દિવસમાં ડોકટરોની નિમણૂક કરવા માંગણી કરી હતી પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં રહેલ સરકારે ડોકટરોની નિમણૂક ન કરતા લોકોને નાછુટકે ખાનગી દવાખાનામાં ઉંચી ફી આપી સારવાર લેવી પડતી હોય છે.

તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, બન્ને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડી. ગૌસ્વામી તથા કાર્યકરો ઉના શહેરમાં ડોકટરોની નિમણૂકની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે અને આંદોલન જ્યાં સુધી ડોકટરોની કાયમી નિમણૂક ન કરાય ત્યાં સુધી ચાલુ રહેશે અને આંદોલન શરૂ કરવાની જાણ ઉના નાયબ કલેકટરની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ગોસ્વામીએ લેખીતમાં કરી છે.(૨-૪)

(12:19 pm IST)