Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જેતપુરના સ્ટેશન વાવડીમાં પિતાની હત્યા કરનાર પરપ્રાંતીય પુત્ર રીમાન્ડ પર

દારૂના રૂપિયા ન આપતા ઢીમ ઢાળી દીધાની કબુલાત

જેતપુર, તા. ૧૫ :. જેતપુરના સ્ટેશન વાવડી ગામે પિતાની હત્યા કરનાર પરપ્રાંતીય શખ્સને કોર્ટ એક દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતા આહીર ગોવિંદભાઈ નાથાભાઈના ખેતરમાં ખેતમજુરી કરતા મૂળ એમ.પી.ના ફલજવારી ગામના લખડીયા લાખુસિંગ ખરતેને ગત તા. ૧૬-૧૧ના રોજ રાત્રીના સમયે મોટો પુત્ર નાન્યા સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ બાદ પિતા-પુત્ર ખેતરની ઓરડીમાં સુવા ગયેલ, વહેલી સવારે નાન્યો કોઈને કહ્યા વગર દરવાજો ખુલ્લો મુકી નાસી છૂટતા ખેતરમાં કામ કરતા અન્ય મજુરોને શંકા જતા ઓરડીમાં જોતા લખડીયા લોહીલુહાણ હાલતમાં પડેલ હોય તેનું મોત નિપજતા તાલુકા પોલીસે નાસી છુટેલ નાન્યા વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કરેલ. દરમ્યાન નાસી છૂટેલ નાન્યો તેના ગામ ફલજવારીમાં હોવાની બાતમી મળતા પોલીસે એમ.પી. જઈ નાન્યાને ઝડપી લઈ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

પકડાયેલ નાન્યાએ દારૂના રૂપિયા માંગતા ન આપતા પિતાનું ઢીમ ઢાળી દીધાની કેફીયત આપી હતી. વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ. વાઢીયા   ચલાવી રહ્યા છે.

(1:16 pm IST)