Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

અંતિમ દિને કચ્છમાં ૭૨ નામાંકન સાથે ૯૨ ઉમેદવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ સાથે નલિયા ફોર્મ ભરવા પહોંચ્યા

કોંગ્રેસ, ભાજપ, આપ, એઆઈએમઆઈએ સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં, આજે ચકાસણી, પરમ દિ' દાવેદારી પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫

 ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ રંગ હવે કચ્છ જિલ્લામાં વરતાઈ રહ્યો છે. ભાજપ વતી કચ્છમાંથી ચુંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા અને નલિયામાં જાહેરસભાઓ સંબોધી હતી. માંડવી મત વિસ્તારના મુન્દ્રાની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નલિયા પહોંચ્યા હતા. અહી ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો હોંસલો બુલંદ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને જાગૃત ધારાસભ્ય ગણાવ્યા હતા. 

     આ ચુંટણીમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની દાવેદારી નોંધાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે ઉમેદવારીપત્ર રજૂ કરવા નલિયા ડેપ્યુટી કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. અબડાસા બેઠક ઉપરથી કોંગ્રેસ વતી જિલ્લા પંચાયત સદસ્ય મામદ જુંગ જત એ દાવેદારી નોધાવી હતી. તેમની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા અને કોંગ્રેસી આગેવાનો તેમ જ કાર્યકરો જોડાયા હતા. માંડવી બેઠક ઉપર ભાજપ વતી અનિરુદ્ધ દવેએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ વતી રાજેન્દ્રસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી હતી.

        તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો જોડાયા હતા. અંજાર બેઠક ઉપરથી ભાજપ વતી ત્રિકમભાઈ છાંગાએ દાવેદારી નોધાવી હતી. જ્યારે કોંગ્રેસ વતી રમેશ ડાંગરે દાવેદારી નોંધાવી હતી. તેમની સાથે આગેવાનો વી.કે. હુંબલ , શામજીભાઈ આહીર અને અન્ય જોડાયા હતા. 

     ગઇકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કચ્છ જિલ્લાની ૬ બેઠકો માટે સામટા ૭૨ ફોર્મ ભરાતા અત્યાર સુધી ઉમેદવારોની સંખ્યા ૯૨ થઈ છે. આજે ફોર્મની ચકાસણી થશે તેમ જ ગુરુવાર ના ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ છે. એટલે બેઠક દીઠ કુલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

(9:59 am IST)