Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પાકિસ્તાનની બોર્ડરમાંથી સલાયા સુધી ડ્રગ્સ લઇ આવનાર બે શખ્સો ૭ દિ'ના રિમાન્ડ પર

જામખંભાળીયા, તા., ૧પઃ તાજેતરમાં આરાધના ધામ નજીક તથા અને સલાયા એમ બે સ્થળોએથી દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસે કુલ ત્રણસો પંદર કરોડની કિંમતનું ૬૩ કિલોથી વધુ માત્રામાં હેરોઇન સહીતનો માદક પદાર્થ કબ્જે કર્યો છે. આ પ્રકરણના પ્રથમ ચરણમાં જીલ્લા પોલીસે મુંબઇના એક તથા સલાયાના બે શખ્સો મળી ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગામી તારીખ ર૦ સુધી નવ દિવસના રિમાન્ડ પર લીધા છે.

આ ચકચારી પ્રકરણમાં પોલીસે શુક્રવારે સલાયાના વધુ બે શખ્સો સલીમ ઉમર જુસબ જસસાયા (ઉ.વ.પ૦) અને તેની સાથે ઇરફાન ઉંમર જુસબ જસરાયા (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો સલાયાના ઝડપાયેલા કુખ્યાત કારા બંધુઓ વતી પાકિસ્તાનની બોર્ડર પાસેથી બોટ મારફતે માદક પદાર્થોનો તોતીંગ જથ્થો સલાયા સુધી લઇ આવ્યા હતા. આ બન્ને શખ્સોને શનીવારે બપોરે પોલીસે અહીની અદાલતમાં રજુ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે આ બન્ને શખ્સોના આગામી તારીખ ર૦ મી સુધીના સાત દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

રીમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યકત કરાઇ રહી છે. વિગત મુજબ આ સમગ્ર પ્રકરણના પ્રથમ આરોપી એવા મુંબઇના આરોપી સજજાદ ઘોસીને સાથે લઇ અહીનો પોલીસ સ્ટાફ વધુ તપાસ અર્થે મુંબઇ પણ જશે.

મોડપરના યુવાનને મારી નાખવાની ધમકી

સામોર ગામના પાટીયા પાસે વિનસોલ નામની કંપનીમાં સુપરવાઇઝ તરીકે કામ કરતા ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતા સંજયભાઇ રામશીભાઇ નામના ર૬ વર્ષના યુવાન સાથે સરકારી ખરાબામાં કામ કરવા બાબતે બોલચાલી કરી તાલુકાના સામોર ગામના રહીશ એવા કેસુ મુરૂ ચંદ્રવાડીયા, ખીમા વેજાણંદ ચંદ્રવાડીયા, વિજય ગોવીંદ ચાવડા અને રાજશી લાખા ગાગીયા નામના ચાર શખ્સોએ એક સંપ કરી, સંજયભાઇ બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અહીના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળીયા પોલીસે આઇપીસી કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૈત્રી કરારનો ખાર રાખી ધારાગરના યુવાન ઉપર હુમલો

ભાણવડ તાલુકાના ધારાગર ગામે રહેતા અલી મામદ ઓસમાણભાઇ શેઠા નામના ૪૦ વર્ષના મુસ્લીમ યુવાન ઉપર આ જ વિસ્તારના રહીશ ફારૂક ઇબ્રાહીમ શેઠા, હસન આમદ શેઠા, ઓસમાણ અલી ગજણ અને ઇકબાલ જુમ્મા ઘુૅઘા નામના ચાર શખ્સોએ એક સંપ કરી ફરીયાદી અલીમામદભાઇ પોતાના મોટરસાયકલ પર જઇ રહયા હતા ત્યારે માર્ગ વચ્ચે જી.જે.૦૬ સીએમ ૩૪ર૮ નંબરની સ્વીફટ મોટર કારમાં આવેલા ઉપરોકત શખ્સોએ લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે બેફામ માર મારી ફેકચર સહીતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરીયાદી અલીભાઇ ઓસમાણભાઇએ આરોપી પરીવારની યુવતી સાથે મૈત્રી કરાર કરેલ હોય અને આરોપીની બહેનની દિકરીને ફરીયાદી અલીમામદનો કૌટુંબીક ભત્રીજો ભગાડી ગયેલો હોય તે અંગેનું મનદુઃખ રાખી અને ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સમે આઇપીસી કલમ ૩રપ, ૩ર૩, પ૦૬(ર)૧૧૪ તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ  આર.એ.નોયડાએ હાથ ધરી છે.

મીઠાપુર નજીક પુરપાટ જતા ટ્રકની અડફેટે રીક્ષા સવાર મુસાફરો ઘવાયા

દ્વારકાના રામપરા વિસ્તારમાં રહેતા કાયાભાઇ લાખાભાઇ નાંગેશ ગામના ૩પ વર્ષના રબારી યુવાન પોતાના જી.જે.૮ વાય.૬૩૧૮ નંબરના રીક્ષામાં મુસાફરોની સાથે જઇ રહયા હતા ત્યારે મીઠાપુર નજીકના ભીમરાણા પાસેથી પુરઝડપે અને બેફીકરાઇપુર્વક કરી રહેલા જી.જે. ૧૦ વી. પર૮૧ નંબરના એક ટ્રકના ચાલકે રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

જેના કારણે આ રીક્ષામાં જઇ રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવાર અપાઇ હતી. આ અકસ્માતમાં રીક્ષાને રૂપીયા એક લાખ જેટલું નુકશાન થયાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે. મીઠાપુર પોલીસે કાયાભાઇ લાખાભાઇ રબારીની ફરીયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડની પરીણીતાને ત્રાસ આપવા સબબ રાજકોટ રહેતા પતિ સામે ફરીયાદ

ભાણવડ તાલુકાના વેરાડ ગામે હાલ રહેતી અને લુહાર ભીખુભાઇ માધવજીભાઇ પિત્રોડાની રર વર્ષીય પરીણીત પુત્રી દેવાંગીબેન અશ્વીનભાઇ ઉમરાણીયાને તેણીના લગ્નજીવન દરમિયાન લોધીકા તાલુકા ખાતે રહેતા પતિ અશ્વીનભાઇ દિલીપભાઇ ઉમરાણીયા દ્વારા અવાર નવાર શારીરીક તથા માનસીક ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે અહીના મહિલા પોલીસ મથકમાં અશ્વીનભાઇ ઉમરાણીયા સામે આઇપીસી કલમ ૪૯૮(એ)  મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધવી ગામનો યુવાન દારૂ સાથે ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા સંજયગર કાનડગર રામદત્તી નામના ૨૯ વર્ષના યુવાનને પોલીસે રૂપીયા ૧૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં પીધેલો કાર ચાલક ઝડપાયો

દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા રમેશભા બાલુભા સુમણીયા નામના ૩૫ વર્ષના હિન્દુ વાઘેર યુવાનને પોલીસે તીનપત્તી ચોક વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપીયા અઢી લાખની કિંમતની જી.જે.૩૭ બી ૯૧૮૧ નંંબરની સ્વીફટ મોટરકારમાં નીકળતા ઝડપી લઇ તેની સામે એમ.વી.એકટની કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.

(12:49 pm IST)