Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કલાર્કથી કલેકટર અને સરપંચથી સાંસદ પાટીદાર જ હોવો જોઇએ : નરેશભાઇ પટેલ મારે વાણીયા કે બ્રાહ્મણ નથી થવું મને આવતા જન્મે પાટીદાર કુખે જન્મ મળે : મણીદાદા

જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણ : પાટીદાર સમાજની એકતા, શિક્ષણ અને યુવાનોમાં વધી રહેલા દુષણો દુર કરવા હાકલ : સમાજનો આગેવાન કોઇપણ પક્ષનો હોય, સમાજનું હિત ન જોવે તેને ફેંકી દેજો : હાર્દિક પટેલની સટાસટી

જસદણના આટકોટ રોડ ઉપર પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ. પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુની, નરેશભાઇ પટેલ, ઉંઝા ઉમીયાધામના પ્રમુખ મણીદાદા, હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, લાલજીભાઇ પટેલ, ભીખાભાઇ બાંભણીયા સહિતના ઉપસ્થિત રહી ભૂમિપૂજન તેમજ અનાવરણ કર્યું હતું તેની તસ્વીર. (તસ્વીર : વિજય વસાણી, આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૫ : જસદણ ખાતે યોજાયેલ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનોએ પાટીદાર સમાજની એકતા, શિક્ષણ અને યુવાનોમાં વધી રહેલા દુષણો દુર કરવા ઉપર ભાર મુકી આવનારા દિવસોમાં કોઇ પણ પક્ષનો ઉમેદવાર હોય તેને પાટીદાર સમાજની ચિંતા ન કરવી હોય તો તેને ચુંટણીમાં ફેંકી દેવા હાંકલ કરી હતી.

જસદણના આટકોટ રોડ ઉપર પાસના આગેવાન દિનેશ બાંભણીયા અને સ્થાનિક પાટીદાર આગેવાનો અને યુવાનોની જહેમતથી બનાવવામાં આવેલા પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે પ્રારંભમાં તેમના ટુંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પાટીદાર યુવાનોએ સમાજને સંગઠીત કરવા ઘણુ કર્યું છે અને તેમના પ્રયાસોથી સમાજ એક પણ થયો છે.

તેમણે અગાઉ આપેલા નિવેદનને દોહરાવી ફરીવાર કહ્યું હતું કે, કલાર્કથી કલેકટર અને સરપંચથી સાંસદ પાટીદાર જ હોવો જોઇએ ! આવનારા દિવસોમાં આપણે મજબૂત રાજકારણ કરવું પડશે, તમે હવે એવા પાટીદાર રાજકારણીને જ ચુંટજો જો ખુરશી ઉપર બેસી પાટીદાર સમાજની ચિંતા કરે.

રાજકોટ B.A.P.S. સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એક બની નવા આયામ તરફ આગળ વધી રહ્યો છે જેનો આજે જસદણે દાખલો બેસાડયો છે. આપણે ખેતી પણ કરવાની જ છે પણ સાથોસાથ શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મુકી યુવાનો અને યુવતિઓને આગળ લાવવા અપીલ કરી હતી તેમણે અંતમાં જણાવ્યું હતું કે, કલેકટર અને કમિશનર પાટીદાર જોવા જોઇએ અને નવી પેઢીએ વ્યસન અને વ્યભિચારથી દુર રહેવા કહ્યું હતું.

ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ મણીદાદા (મમ્મી)એ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની છે ત્યારે પાટીદાર સમાજના યુવાનો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આપણે સહિયારા પ્રયાસો હાલ કરી રહ્યા છીએ. આ માટે છેલ્લા પંદર વર્ષમાં પાટીદાર સમાજે શિક્ષણ માટે કરોડો રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે. સમાજના મંદિરો પણ આ માટે ઘણું યોગદાન આપી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હુ પાટીદાર છુ એવુ બોલવામાં પણ મારૂ મન ભરાઇ જાય છે ત્યારે માં ઉમા-ખોડલને પ્રાર્થના કરુ છું કે મારે વાણીયા કે બ્રાહ્મણ નથી થવુ મને આવતા જન્મે પાટીદાર કૂખે જન્મ મળે...!

તેમણે અનામત આંદોલન વખતે શહિદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોને શ્રધ્ધાંજલી આપી અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો માથે થયેલા કેસ અંગે સરકાર સાથે ચર્ચા કરી છે અને તેમા આવનારા દિવસોમાં સમાજનાં હિતમાં યોગ્ય નિર્ણય આવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

જસદણમાં નિર્માણ પામેલા પાટીદાર શૈક્ષણીક ભવનનાં પાયાના પથ્થર અને મુળ જસદણ તાલુકાનાં કમળાપુર ગામના વતની અને પાસના આગેવાન દિનેશ બાંભણીયાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન વખતે અમને ઘણા લોકો કહેતા કે આંદોલનથી કશુ જ નથી મળવાનું પણ ચાર વર્ષમાં ઘણુ મેળવ્યુ છે આજે રાજયનાં ૩ર તાલુકામાં શૈક્ષણીક સંકુલો ચાલુ થયા છે અને આવનારા દિવસોમાં હજૂ ૧૩ર તાલુકામાં આવા સંકુલો કાર્યરત થશે.

આજનો કાર્યક્રમ અસફળ રહે તે માટે અહીં ઘણા પ્રયાસો થયા છે તેમને પડકાર ફેંકતા તેમણે જણાવ્યું હતું કે અમો ચાર વર્ષમાં અનેક તાનાશાહો સામે લડયા છીએ અને હજુ લડતા રહેશું.

પાસના આગેવાન અલ્પેશ કથીરિયાએ તેમના ટૂંકા ઉદ્બોધનમાં સમાજ એકતા ઉપર ભાર મૂકયો હતો.

અંતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જસદણમાં આકાર પામેલા શૈક્ષણિક ભવન આપણે આવનારા દિવસોમાં યુવાનોને સરકારી યોજનાનાં લાભો અપાવીશું અને સરકારી નોકરીમાં જોડી શકીશું.

તેમણે જણાવ્યુ હતુ કે આપણે ભલે ફાંકો રાખતા હોય કે પાટીદાર સમાજ એક છે પરંતુ એ ભુલ ભરેલુ છે આજે આપણે ભલે આ ગ્રાઉન્ડમાં ચિક્કાર મેદની સાથે ભેગા હોય પરંતુ આપણે રાજકીય રીતે સંગઠીત થવું પડશે.

સમાજનો આગેવાન કોઇ પણ પક્ષમાં હોય સમાજનું હિત ન જોવે તેને શુ કામ આગળ કરવો ? સમાજનું હિત ન જોવે તેને ફેંકી દેવા હાંકલ કરી હતી.

સર્વે મહાનુભાવો દ્વારા ગુજરાતમાં પ્રથમ બનાવવામાં આવેલા ૧૪ પાટીદાર યુવાનો જે અનામત આંદોલન વખતે શહીદ થયા હતા તેના સ્મારક પાસે થઇ દિપ પ્રાગટ્ય કરી સલામી આપી હતી અને બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. બાદમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે શૈક્ષણિક ભવનના પ્રમુખ ભીખાભાઇ બાંભણીયા સહિતના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાત ભરમાંથી પાટીદાર આગેવાનો, રાજકીય આગેવાનો સ્થાનિક આગેવાનો અને જસદણ વિંછીયા તાલુકાના પાટીદાર સમાજનાં ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ પુર્ણ થયા બાદ લોક-ડાયરાની મજા સર્વેએ માણી હતી.

(10:09 am IST)