Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ભકિતનાં સંગે પ્રકૃતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે કાર્તીકી અગીયારસની પરિક્રમા

જુનાગઢઃ ગ્રીક માઇથોલોજીમાં જે સ્થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્વર્યની અધિષ્ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે,અને પ્રકૃતિ સાથે જીવે છે,અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો ,ઉત્સવોમાં પ્રકૃતિને સંસ્કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.

 ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી  ઉંચો પર્વત છે.જયાં, કૈલાસ, શિખર સમેત અનેક દેવ, દેવીનાં ઉલ્લેખ સાથે સાંસ્કૃતીક અને ધાર્મિક અસ્મિતાનાં બીજ જોડાયેલા છે. પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્યાગી, અને રોગીથી વૈરાગી, અનુરાગી સૈા કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજયપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ , ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્ણનાં મંદિરોની ધ્વજા પરથી પસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભકિતનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.

  જૂનાગઢ જિલ્લાને ગુજરાતનાં બીજા જિલ્લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયા કાંઠો, ગીર અને ગીરનારનાની વન્ય સૃષ્ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન(સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જયોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગ, ભાલકાતિર્થ,તુલશીશ્યામ  યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે.

          જિલ્લામાં અનેક નાના મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદક્ષિણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવીક ભકતો લીલી વનરાજી વચ્ચેથી, પર્વત અને ખીણની વચ્ચેથી ભકિતભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી ,પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા.જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં. કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સૈાનાં સથવારે સૈા સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.

આજે વખત વિતતો ચાલ્યો, જમાનાની અસર અને વાહન વ્યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં  રાજયભરમાંથી તો ઠીક પણ દેશ વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્યા છે.  હજારોથી સંખ્યા લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ એસટી.નિગમ, પોલીસ તંત્ર, મહાનગર પાલીકા જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદ શાખા,માહિતી વિભાગ સહિત જૂદા જૂદા જિલ્લાઓ માંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇ જ અગવડતાના પડે તેની તકેદારી રાખે છે. સંસ્કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં...

સંકલનઃ અશ્વિન પટેલ માહિતી બ્યુરો જુનાગઢ

(1:41 pm IST)