Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

હવે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણઃ કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયાઃ ડાંગ કોંગ્રેસમાં પણ ભડકાના એંધાણ

લીંબડી: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોને લઇને પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે અલગ-અલગ બેઠકોને લઇને કોંગ્રેસમાં ભંગાણ સર્જાઇ રહ્યું છે. કોંગ્રેસ હજુ લીંબડી બેઠકના ઉમેદવાર જાહેર નથી કરી શકી. એવામાં ભાજપ-કોંગ્રેસ પક્ષોમાં મનામણા-રિસામણાં ચાલી રહ્યાં છે. ત્યારે આજના દિવસમાં ગુજરાત કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. જેમાં તાજેતરમાં જ મોરબી પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસના જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયાએ કેસરિયા કર્યાં છે. ત્યારે હવે લીંબડી કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાયું છે. પેટાચૂંટણી સમયે જ લીંબડીમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ સાથે મોરબી બેઠક બાદ ડાંગ કોંગ્રેસમાં પણ ભડકાના એંધાણ જોવા મળી રહ્યાં છે. ચંદ્રકાંત ગાવિતને મળવા જિલ્લાભરમાંથી કોંગ્રેસનાં કાર્યકરો પહોંચ્યાં છે. સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવાતા ચંદ્રકાંત ગાવિતના સમર્થકો નારાજ થયા છે.

નોંધનીય છે કે, હાલમાં લીંબડી બેઠક પર ભાજપમાંથી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે હજુ સુધી કોંગ્રેસ દ્વારા આ સીટ પર ઉમેદવાર જાહેર નથી કરાયાં. પેટાચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. લીંબડીમાં કોંગ્રેસનો સાથ છોડીને ગામડાઓનાં સરપંચ અને હોદ્દેદારોએ ભાજપમાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોળી સમાજનાં લોકો ભાજપમાં જોડાઇ ગયા છે. મળતી માહિતી મુજબ, લીંબડી કોંગ્રેસનાં 8 હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જેમાં સાયલા, ચુડા તાલુકાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ ગામડાઓમાં કોંગ્રેસના સરપંચ અને હોદ્દેદારો કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયા છે.

સાયલા‌‌ અને ચુડા તાલુકાનાં પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, ઉપસરપંચ, સરપંચ સહિતનાં 8 જેટલાં હોદેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. લીંબડી ખાતે કિરીટસિંહ રાણાના ઉમેદવારી ફોર્મ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસનાં હોદેદારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મોરબી પર કોંગ્રેસની ટિકિટના દાવેદાર કિશોર ચીખલીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તો લીંબડીમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. તો બીજી બાજુ ડાંગ કોંગ્રેસમાં પણ ભડકાના એંધાણ જોવા મળી રહ્યાં છે. સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવાતા ચંદ્રકાંત ગાવિતના સમર્થકો નારાજ થયા છે. આ સાથે જ અગાઉ અબડાસા ને કપરાડા બેઠકમાં પણ અસંતોષ હતો. અબડાસા બેઠક પરથી કૈલાશદાન ગઢવીએ રાજીનામું આપ્યું હતું. કૈલાશદાન ગઢવીએ અબડાસામાં શાંતિલાલ સંઘાણીને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ ચૂંટણી પહેલાં જ પ્રદેશ કોંગ્રેસના પ્રોફેશનલ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

(5:35 pm IST)