Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આઈજી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સંભાળતા જ ઓઇલ માફિયાઓ અને ખનિજ માફિયાઓ ઉપર પોલીસ ત્રાટકી- લાખોનો મુદામાલ જપ્ત

(ભુજ) બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીધામની લાખોની આંગડિયા લૂંટના આરોપીઓ ૨૪ કલાક પહેલાં જ પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા. તો, ઓઇલ માફિયાઓ અને ખનિજ માફિયાઓ ઉપર પણ આરઆર સેલ અને પૂર્વ કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો છે. આરઆર સેલના પીએસઆઇ જી.એમ. હડિયા અને સ્ટાફે બનાસકાંઠાના સિદ્ધપુર પાસે આવેલા છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેસ્ટર ઓઇલ (એરંડાના તેલ) ની ચોરીનો કિસ્સો ઝડપી પાડ્યો હતો. આરઆર સેલે સ્થળ ઉપરથી ૪ શખ્સોને ૪૪ લાખ ૬૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ૨ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ૨૪,૬૦૫ લીટર કેસ્ટર ઓઇલ ભરેલું ટેન્કર જેની કિંમતમાં ૨૪,૬૦,૦૦૦ રૂપિયા નો કેસ્ટર ઓઇલ નો જથ્થો, તેમ જ ૧૫ લાખની કિંમતનું ટેન્કર, ૪ કેરબાઓ પૈકી ૧ કેરબામાં ઠલવાયેલ ચોરીના કેસ્ટર ઓઈલનો જથ્થો કિ. રૂપિયા ૧,૦૦,૦૦૦ લાખ, એક વેગનાર કાર, એક સ્કોર્પિયો જીપ કિં. રૂ. ૫,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ ૪૦,૦૦,૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે. ચાર આરોપીઓ કીર્તિભાઈ ડામાભાઈ પારગી, શાહિદ અબ્દુલ વહીદ, દલજી વાઘજી ચૌધરી, લખાભાઈ તેનીવાળા ઝડપાઇ ગયા હતા જ્યારે બે આરોપીઓ નાસી છૂટયા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બીજા બનાવમાં સામખિયાળી પોલીસે આધોઇની નદીમાંથી ગેરકાયદેસર થતી રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સામખીયાળી પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એમ.એસ. રાણા અને સ્ટાફે બે અલગ અલગ જગ્યાએથી વાહનો જપ્ત કર્યા હતા. આધોઈ નદીમાંથી ત્રણ ડમ્પરો, એક ટ્રક અને એક લોડર જપ્ત કર્યું હતું. આ વાહનો લઈને આધોઈ થી સામખીયાળી આવતા પોલીસ સ્ટાફે રસ્તામાં મળેલા અન્ય વાહનો એક ટ્રક અને બે ડમ્પરને ખનિજ ચોરીના કેસ અંગે ઝડપ્યા હતા. આ બનાવમાં પોલીસે ખનિજ વિભાગને જાણ કરી છે. જોકે, વાહનોની કિંમત તેમ જ ઝડપાયેલ શખ્સો અંગે સામખીયાળી પોલીસની યાદીમાં કોઈ માહિતી અપાઈ નથી.

(6:27 pm IST)