Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમરેલીમાં મહિલા પીએસઆઇને પતિ દ્વારા મારી નાંખવાની ધમકી

અમરેલી, તા. ૧પ : પોલીસ ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇએ હાલમાં પોલીસ વિભાગમાં જ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા એક કર્મચારી સાથે લગ્ન કર્યા બાદ બન્ને અલગ રહેતા હતાં અને તેના પતિએ પી.એસ.આઇ.ને પતાવી દેવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઇ છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ. હિરલબેન હસમુખભાઇ સેગલીયા (ઉ.વ.ર૯) એ હાલમાં અમરેલી એ.સી.બી.માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ કાથડભાઇ સેગલીયા (રહે. અમરેલી) સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ બંન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતાં અને આ મહિલા પી.એસ.આઇ. પતિથી અલગ હાલમાં પોલીસ કવાર્ટરમાં પી.એસ.આઇ. કવાર્ટરમાં રહેતા હતાં. તા. ૧રના રોજ ૯-૩૦ વાગ્યાના અરસામાં તેનો પતિ હસમુખ સેગલીયા અને નણદોયા ભાવેશ ચાવડા કે જે રાજકોટ જિલ્લા પોલીસમાં જેતપુર ખાતે ફરજ બજાવે છે તે બંન્ને પોલીસમેન આવ્યા હતાં અને મહિલા પી.એસ.આઇ. પોતાના ઘરમાં હતાં ત્યારે ત્યાં કવાર્ટરમાં આવીને દરવાજાને પાટા મારીને ખેલ મચાવ્યો હતો અને મહિલા પી.એસ.આઇ.ને પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી મહિલા પી.એસ.આઇ.એ આ બન્ને પોલીસમેન સામે અમરેલી સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મહિલા પી.એસ.આઇ.એ પોલીસને આપેલા નિવેદનમાં એમ પણ જણાવ્યું છે કે, તેનો પતિ કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પ્રેમ લગ્ન બાદ અવારનવાર નાની નાની વાતમાં કજીયો કરીને ગાળો આપીને મહિલા પી.એસ.આઇ. સાથે મારકૂટ પણ કરતો હતો. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દારૂ જપ્ત

લીલીયામાં સાંજના સમયે અંદાજીત ર૦ પેટી ઇંગ્લીશ દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઇ હતી. નાના લીલીયા ચોકડી પરથી પોલીસને જોઇ નાસી જવા અલ્ટો કાર દોડાવેલી, પરતુ કાંકચ રોડ પર અલ્ટો કાર ફસાઇ જતા કાર ઝડપાઇ ગઇ હતી. પોલીસે ધોરણસર કરવા ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળ્યું છે. આ દારૂ કોનો હતો, કયાંથી આવ્યો અને કયાં જવાનો હતો તે અંગે કોઇ વિગતો મળી નથી આ અંગે તહેકીકાત જારી છે.

(1:27 pm IST)