Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વેરાવળના સવની ગામે મગફળી પાક નિષ્ફળ જતા ખેતીવાડી અધિકારીને રજુઆત

પ્રભાસ પાટણ તા.૧પઃ વેરાવળ તાલુકાના સવની ગામનાં ખેડુત ખાતેદારોની જમીન સવની ગામ તેમજ મોરાજ, ગોવિંદપરા અને પ્રભાસ પાટણ સીમ વિસ્તારમાં આવેલ છે જેમાં સવની ગામનાં રેલ્વે ફાટકથી પશ્ચિમ વિભાગમાં જે તમામ ખેડુતોની જમીન આવેલ છે ત્યાં સતત વરસાદ અને બીજુ પાણી આવવાને કારણે ચોમાસા દરમ્યાન સતત પાણી ભરાવાને કારણે મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે.

તમામ ખેડુતોનું જીવન નિર્વાહ ખેતી ઉપર નિર્ભર છે અને ચોમાસાનો પાક કુદરતી પાણીથી પાકતો હોવાથી ખેડુતોને આ પાક ઉપર તેમનો વર્ષભરનો આધાર હોય છે અને આ પાક નિષ્ફળ જવાને કારણે પોતાનો જીવન નિર્વાહ કેમ કરવો તે મોટો પ્રશ્ન ઉભો થયેલ છે.

તો સવની ગામની જમીન જયા આવેલ છે તે સવની, મોરાજ, ગોવિંદપરા અને પ્રભાસપાટણ સીમ વિસ્તારમાં સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવા માટે સવની ગામનાં સરપંચ કંચનબેન ઝાલાના પતિ નરસીંગભાઇ ઝાલા દ્વારા ખેતીવાડી અધિકારી, કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદારને મોટી સંખ્યામાં ખેડુતો સાથે લેખિતમાં રજુઆત કરેલ છે.

(12:34 pm IST)