Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ધોરાજીમાં રોગચાળાના ભરડામાં સૌથી વધુ ભુલકાઓ ચડયા!! જવાબદાર કોણ?

ધોરાજીમાં વ્‍યાપક પણે ફેલાયેલ રોગચાળામાં અનેક ભુલકાઓ પણ સપડાયા છે. તસ્‍વીરમાં હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થયેલા નાના બાળકો નજરે પડે છે. (તસ્‍વીર-કિશોર રાઠોડ)

ધોરાજી,તા.૧૫:ધોરાજીમાં વ્‍યાપક રોગચાળાને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. દિન પ્રતિદિન રોગચાળો અને ડેન્‍ગ્‍યુના કેસ વધી રહ્યા છે. આવા ભયંકર રોગચાળામાં ફૂલ જેવા કુમળા બાળકો પણ ડેંગ્‍યુ અને વાયરલ રોગચાળાની ચપેટમાં આવી ગયા છે. ત્‍યારે આ નિર્દોષ ભૂલકાઓની પીડાનું જવાબદાર કોણ ? આ યક્ષ પ્રશ્ન ઉદભવે છે. નિર્દોષ અને માસુમોંના શરીર પર ખોસેલી સોઈ, ઇન્‍જેક્‍શનો જોઈ કઠણ કાળજાના માનવીની પણ આંખનો ખૂણો ભીંજાઈ જાય. ત્‍યારે શુ આ તંત્ર માનવતા વિહીન અને નિષ્ઠુર બની ગયું હશે ?

ધોરાજીમાં નબળા રોડ રસ્‍તાને કારણે એક વાહનચાલકનું અકસ્‍માતે મરણ થતા નામદાર કોર્ટે ચીફ ઓફિસર,તત્‍કાલીન પદાધિકારીઓ, અને અધિકારીઓને અમોત પાછળ જવાબદાર ઠેરવી ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. તો આરોગ્‍ય વિભાગના આંકડા અનુસાર ૨૦/૫/૧૯ થી ડેન્‍ગ્‍યુના કેસ નોંધાયા. જે સમય જતાં દ્યટવાને બદલે વધવા લાગ્‍યા. પાંચ પાંચ મહિને રોગચાળા પર અંકુશ ન આવ્‍યો, રોગચાળો નિયંત્રણ બહાર થયો ત્‍યારે જવાબદાર ડિપાર્ટમેન્‍ટના મોટા પગાર લેતા અધિકારીઓની કોઈ જવાબદારી ન ગણી શકાય ? શુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે? જો નબળા રોડ રસ્‍તા પાછળ તંત્રની જવાબદારી બનતી હોય તો વ્‍યાપક રોગચાળા પાછળ કોઈની જવાબદારી નહીં ? હાલ તો એક ડિપાર્ટમેન્‍ટ બીજા ડિપાર્ટમેન્‍ટ પર અને અધિકારી-પદાધિકારીઓ ની ખો વચ્‍ચે નિર્દોષ માસુમોનો અવાઝ દબાઈ ગયો છે.

(10:36 am IST)