Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

પોરબંદર પાસેનો સોરઠી ડેમ ઓવરફલો

પોરબંદર અને જામનગર સોઢાણા રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો : ડેમના નીચાણવાળા વિસ્‍તારમાં અવરજવર નહીં કરવા ચેતવણી : જિલ્લામાં ધાબડિયુ વાતાવરણ અને સરવડા વરસી જાય છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : નજીકમાં સોરઠી ડેમ ઓવરફલો થયો છે. સોરઠી ડેમના નીચાણવાળા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા ચેતવણી અપાઇ છે. પોરબંદરથી જામનગર તથા સોઢાણા રોડ ઉપર વર્તુ નદીના પાણી ભરાતા આ રોડનો ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્‍યો છે.

સોરઠી ડેમ ઓવરફલો તેમજ ઉપરવાસમાંથી અન્‍ય નદીના પાણીની ભરપૂર આવકથી પોરબંદર અને જામનગર રોડ ઉપર ચાલતા વાહનોને રામવાવથી ડાયવર્ટ કરાવીને કુણવદર, મોરાણા, પારાવાડા, ભોમિયાવદર અને સોઢાણા સુધી કરેલ છે.

સોરઠી ડેમનો ઓવરફલો તથા ઉપરવાસમાં વરસાદથી અન્‍ય નદીમાં નવા પાણી આવતા પોરબંદર બરડા પંથકના અડવાણા, સોઢાણા, ભેટકડી, ફટાણા, મીયાણી સહિત ગામોને સાવચેત રહેવા તથા નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઇ છે.

પોરબંદર જિલ્લામાં સવારથી ધાબડિયુ વાતાવરણ અને સમયાંતરે સરવડા વરસી જાય છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદરમાં ૫ મીમી (૯૬૭ મીમી), રાણાવાવ ૧૧ મીમી (૧૧૩૬ મીમી), કુતિયાણા ૯ મીમી (૧૧૯૪ મીમી), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૧.૧ મીમી (૧૦૦૧.૦૧ મીમી) નોંધાયો છે. ખંભાળા જળાશય ૧૦ મીમી (૮૬૭ મીમી) નોંધાયો છે.

(1:37 pm IST)