Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મોરબીના સીરામીક ઝોન પીપળી રોડ ઉપર જીવલેણ ખાડા

પીપળીથી અણિયારીના 30 કિમીના રોડ ઉપર ખાડે-ખાડા, ખાડા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી

મોરબીના સીરામીક ઝોનના મહત્વના કહી શકાય તેવા પીપળી-જેતપર અને અણિયારી રોડની ફરી બદતર હાલત થઈ ગઈ છે. વર્ષોથી આ રોડ ખરાબ હોય ઉપરથી હમણાં વરસાદ પડતાં આ રોડની હાલત ભયજનક થઈ ગઈ છે. કારણ કે,પીપળીથી અણિયારીના 30 કિમીના રોડ ઉપર ખાડે-ખાડા પડી ગયા છે અને ખાડા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી હોવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં મૂંગા મોઢે તમાશો નિહાળી રહ્યું છે.

મોરબીના સીરામીક ઝોનના પીપળી-જેતપર અને અણિયારી રોડ ફરી હતો ન હતો થઈ ગયો છે. વર્ષોથી આ રોડની ચોમાસામાં પથારી ફરી જાય છે. આમ પણ ઘણા સમયથી પીપળી રોડ ખરાબ હાલતમાં હતો. ત્યારે હવે વરસાદે ફરી આ રોડને ધોઈ નાખતા રોડ ઉપર ડામર શોધ્યો જડે એમ નથી ફક્ત રોડ ઉપર ખાડે-ખાડા જ દેખાઈ છે. ફૂટ-ફૂટ જેટલા ખાડા પડી ગયા હોય અને એમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ રહે છે. પીપળીથી અણિયારી સુધીનો 30 કિમીનો રોડ વાહનોની ચાલવા યોગ્ય રહ્યો જ નથી તે હદે આ રોડ ખરાબ થઈ ગયો છે. અકસ્માતથી બચવા ખાડા તારવતા-તારવતા નીકળવું પડતું 10 મિનિટના રોડને કાપતા ખાસ્સો સમય લાગે છે. તેમાં જો થોડી સ્પીડથી વાહન ચાલવો તો આવી બન્યું જ સમજો. ઠેર-ઠેર ખાડા અને એમાં ભરેલા વરસાદી પાણી તેમજ ગારા કીચડના થરને કારણે રોડ ઉપર પસાર થવું લોકો માટે જોખમી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ સીરામીક ઝોનનો રોડ છે જેની થોડા મહિના અગાઉ ખરાબ હાલતથી ઉધોગકારો અને સ્થાનિક લોકોએ રેલી કાઢી તંત્રને ઢંઢોળ્યું હતું. આથી સંબધિત તંત્ર દ્વારા આ રોડનું રિપેરીગ કરવામાં આવ્યું હતું. પણ રિપેરીગના નામે માત્ર થૂંકના સાંધા જેવા થિંગડા જ માર્યો હોય એ સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ ગયા હોવાની પૌલ ખુલી છે. તંત્ર રોડ રિપેરીગના નામે કરેલા થુંકના સાંધા જાજો સમય ન ટકતા ફરી રોડની જેસે થે જેવી હાલત થઈ ગઈ છે. ત્યારે હજારો લોકોની અવરજવર ધરાવતો અને સીરામીક ઝોન માટે મહત્વનો કહી શકાય એવા આ રોડની તંત્ર હાલત યોગ્ય રીતે સુધારે તેવી માંગ ઉઠી છે.

(12:32 am IST)