Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સૌરાષ્‍ટ્રમાં ઠેર-ઠેર સ્‍વતંત્રતા દિવસની ઉજવણીઃ વિસાવદરમાં નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા તિરંગાને સલામી

રાજકોટ: આજે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શાળા-કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાયો હતો. તેમજ દેશભક્તિના ગીતો ગુંજ્યા હતા. રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટનો જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા કાર્યક્રમ જસદણની મોડેલ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં કલેક્ટર રાહુલ ગુપ્તા સહિત રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહી તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન કર્યું હતું. પોલીસ જવાનોએ પરેડ કરી હતી.

વિસાવદરમાં નીતિન પટેલે તિરંગો લહેરાવ્યો

જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિસાવદર ખાતે યોજાયો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બાદમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામમાં ખોડિયાર માતાજીને ફૂલોનો તિરંગો શણગાર કરવામાં આવ્યો છે.

હનુમાનજીને રાખડીના તિરંગા વાઘા તથા ધ્વજવંદન

સોરઠ પ્રદેશની જીવાદોરી મચ્છુન્દ્રી નદી કિનારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી દ્વારા સ્થાપિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રાષ્ટ્રીય પર્વ તથા ધાર્મિક પર્વ એક દિવસે હોવાથી ત્રિરંગા રાખડીઓના વાઘાનો શણગાર કર્યો હતો. વાઘા ગુરુકુલના વિદ્યાર્થી કૃણાલ વાડદોરીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

(12:36 pm IST)