Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સરધારના ખારચીયા ગામમાં ફરી કોરોનાની એન્ટ્રી : રણછોડભાઇ પટેલનો રિપોર્ટ પોઝિટિવ

૨૭મીએ બોલેરોમાં અમદાવાદ ઘઉંનો ફેરો કરવા ગયા'તાઃ એ પછી તબિયત બગડી હતી : ૭ સભ્યો કવોરન્ટાઇન કરાયાઃ ૭ ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

રાજકોટ તા. ૧૫: આજે કોરોનાના નવા કેસ જાહેર થયા છે તેમાં રાજકોટ ગ્રામ્યના સરધારના ખારચીયામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. બોલેરો પીકઅપ ગાડીના ફેરા કરવાનું કામ કરતાં ખારચીયાના રણછોડભાઇ વલ્લભભાઇ મોલીયા (પટેલ) (ઉ.વ.૪૨)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ટીમે તેને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી કરી હતી. તેમજ તેમના ઘરના પાંચ સભ્યોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

સરધાર આરોગ્ય વિભાગની ટીમે સર્વે, સેનેટાઇઝેશન સહિતની કાર્યવાહી કરી હતી. ડો. વિવેક કોટડીયા, સુપરવાઇઝર વિપુલ કાકડીયા, સ્ટાફના જે. ડી. સોલંકી, શૈલેષ હુંબલ અને ફિલ્ડ સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. જ્યાં કેસ જાહેર થયો છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ ઝોનમાં સાત ઘર આવેલા છે.

રણછોડભાઇ મોલીયા બોલેરોમાં ઘંઉ ભરી અમદાવાદ ૨૭મીએ ફેરો કરવા ગયા હતાં. ત્યાંથી પરત આવ્યા બાદ કેટલાક દિવસથી તેમની તબિયત બગડી હતી. રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવનું નિદાન થયું છે.

સરધારથી સાગર જોષીએ તસ્વીર મોકલી હતી. તેણે જણાવ્યા મુજબ અગાઉ ખારચીયામાં બે માસની બાળકીનો કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો. જે સારવાર બાદ સાજી થઇ ગઇ હતી.

(2:50 pm IST)