Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઝના સફાઇ કામદારોએ શર્ટ ઉતારી અર્ધનગ્ન થઇ વિરોધ પ્રગટ કર્યો

આઠ દિવસથી કોન્ટ્રાકટરે પગાર ન ચૂકવતા કામગીરી બંધ

વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાના અનુ.જાતિના કોન્ટ્રાકટબેઈઝ સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી પગાર ચુકવવા સહિતની વિવિધ માંગ સાથે અલગ-અલગ પ્રકારે આંદોલન કરી રહ્યાં છે ત્યારે સતત આઠમાં દિવસે પણ સફાઈ કામદારોએ વિરોધ યથાવત રાખ્યો હતો અને પાલિકા કચેરી ખાતે શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

અંદાજે ૪૦૦ જેટલાં અનુ.જાતિના વાલ્મીકી સમાજના સફાઈકામદારો વર્ષોથી કોન્ટ્રાકટબેઈઝ આધારીત કામ કરે છે અને કોરોના વાયરસની મહામારી હોવા છતાં ખડેપગે રહી શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી કરે છે.

બંન્ને નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારોને કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં છેલ્લા આઠ દિવસથી સફાઈ કામગીરી બંધ કરી વિરોધ કરી રહ્યાં છે અને અલગ-અલગ કાર્યક્રમો આપી રહ્યાં છે.

આઠમા દિવસે પણ અલગ પ્રકારે વિરોધ કર્યો હતો જેમાં પાલિકાના સફાઈ કામદારોએ શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાકટર સહિત પાલિકાના સત્તાધિશો સામે સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો. આ તકે મહિલા સફાઈ કામદારો પણ વિરોધમાં જોડાયા હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં તેમજ પાલિકાના સત્તાધિશોને પગાર ચુકવવા સહિતની માંગ સાથે ઉગ્ર રજુઆતો કરી હતી.

(11:42 am IST)